કિંગ ઓફ સારંગપુર એવા હનુમાન દાદાની વિશાળ પ્રતિમાના સાત કિમી દૂરથી થશે દર્શન
અમદાવાદઃ રાજ્યભરમાં આજે ધાર્મિક માહોલમાં હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. દરમિયાન સારંગપુરમાં હનુમાન દાદાની પંચધાતુની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભગવાન આ વિશાળ મૂર્તિના લગભગ સાતેક કિમી દુરથી પણ દર્શન થઈ શકશે. એટલું જ નહીં હનુમાન દાદાની આ મૂર્તિને કિંગ ઓફ સારંગપુર નામ આપવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનેલી આ મૂર્તિની અનેક વિશેષતાઓ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુરમાં આવેલા હનુમાન મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં હવે હનુમાન દાદાની પંચધાતુની વિશાળ પ્રતિમાના પણ દર્શન હવે શ્રદ્ધાળુઓને થશે. હનુમાનની આ મૂર્તિ 30 હજાર કિલો પંચધાતુમાંથી બનાવવામાં આવી છે. મૂર્તિ બનાવવા માટે 3D ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવી છે. અંજનીસુત હનુમાનની આ મૂર્તિને ભૂકંપ જેવી આફતમાં પણ નુકસાન નહીં થાય. પાંચ હજાર વર્ષ સુધી આ મૂર્તિ એવી જ રહેશે.આ મૂર્તિ બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને 300 કારીગરોની મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે.
દક્ષિણમુખી હનુમાનની મૂર્તિની સ્થાપના 13 ફૂટના પાયા પર કરવામાં આવી છે. પરિક્રમા સ્થળ પર 1500 દર્શકોની ક્ષમતાવાળું એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવશે.આ મૂર્તિને સારંગપુરનો રાજા નામ આપવામાં આવ્યું છે. આ મૂર્તિ સાત કિલોમીટર દૂરથી જોવા મળશે. દેશના ગ્રુહ મંત્રી અમિત શાહે હનુમાન દાદાની આ વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેમજ ભગવાનની વિશેષ પુજા પણ કરી હતી.