કપાસિયા,પામોલીન, સનફ્લાવર તેલના ભાવમાં વધારો, સિંગતેલમાં તો 3 દિવસમાં રૂ. 90નો વધારો
અમદાવાદઃ ગુજરાત અને દેશમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. દરેક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજોના ભાવ વધી રહ્યા છે. ત્યારે પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સીંગતેલના ભાવમાં ફરી 30 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ 2960 રૂપિયા થયો છે. કપાસિયા અને પામોલીન તેલમાં પણ 15 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જ્યારે સનફ્લાવર તેલના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે. આમ તમામ ખાદ્યતેલમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં શરૂઆતથી જ સિંગતેલના ભાવ આસમાને છે. કહેવાય છે. કે સિંગદાણાની વિદેશમાં નિકાસ કરી દેવાતા માલની અછત સર્જાતા સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આમ તો દરેક ચિજ-વસ્તુઓના ભાવ વધે છે. તેમ સિંગતેલના ભાવ પણ રોજબરોજ વધી રહ્યા છે. સિંગતેલ સાથે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. હજુ તો ચાર દિવસ પહેલા જ એટલે કે 1 એપ્રિલથી અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમુલ ગોલ્ડનો 500 ગ્રામ જૂનો ભાવ 31 હતો. જ્યારે કે નવો ભાવ 32 રુપિયા કરવામાં આવ્યો છે. અમુલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલીનો જૂનો ભાવ 28 રુપિયા હતો અને હવે નવો ભાવ 29 રૂપિયા છે. અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો 500 ગ્રામનો જૂનો ભાવ 29 રૂપિયા હતો. જો કે હવે નવો ભાવ 30 રૂપિયા થઈ ગયો છે. માત્ર દૂધ જ નહીં કઠોળ. મરી-મસાલા, અનાજ સહિત જીવન જરૂરિયાત ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે.