અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. તેના કારણે ટ્રાફિકના વિટક પ્રશ્નો સર્જાયા છે. ગુજરાત સરકારે ખાનગી વાહનોની સંખ્યા ઘટાડવા માટે જાહેર પરિવહન સેવામાં પણ વધારો કર્યો છે. તેમ છતાં નાના-મોટા શહેરોમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં ખૂબ વધારો થયો છે. વધતા જતાં વાહનોની સંખ્યાને કારણે પર્યાવરણિય પ્રશ્નો પણ ઊભા થયા છે. ગુજરાતમાં દર બીજી વ્યક્તિ પાસે પોતાનું ખાનગી વાહન છે. અર્થાત કુલ વસતીના અર્ધાઅર્ધ લોકો પોતાના વાહનો ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 2011ની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે 31 માર્ચે વસતી 6.04 કરોડ હતી તેની સામે રાજયમાં વાહનોની સંખ્યા 3.07 કરોડ છે. છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યામાં 12.2 ટકાનો વધારો થયો છે જયારે વસતીમાં વધારો 14 ટકા થયો છે. લોકોના બદલાયેલા જીવનધોરણ તથા ખર્ચ ક્ષમતામાં વધારાને કારણે છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં 1.39 કરોડ વાહનો ઉમેરાયા છે. જોકે, સામાજીક આર્થિક સમીક્ષા રીપોર્ટ પ્રમાણે ગુજરાતની વસતી 2011-12માં 6.09 કરોડ હતી અને 2021-22 સુધીમાં 86 લાખ વધીને 6.95 કરોડ થવાનો અંદાજ મુકાયો છે. અમદાવાદ શહેરમાં દર વર્ષે 1.2 લાખ બાળકોનો જન્મ થાય છે. અર્થાત આટલો વસતી વધારો થાય છે તેની સામે દર વર્ષે નવા 2.47 લાખ નવા વાહનો ઉમેરાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી પરિવહન સેવા નબળી અને ઓછી હોવાને કારણે ખાનગી વાહનનો ટ્રેન્ડ છે. શહેરોમાં છેવાડાના વિસ્તારો સુધી બસ કનેકટીવીટી નથી એટલું જ નહી. ગામડાઓમાં બસ ફ્રીકવન્સી ઓછી છે. આ સ્થિતિમાં લોકોએ નાછુટકે ખાનગી વાહનોનો જ ઉપયોગ કરવો પડે છે.
રાજ્યના 7000 જેટલા ગામડાઓમાં પુરતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ નથી. દિવસમાં માંડ એક કે બે દિવસ સરકારી બસ આવતી હોય છે એટલે ફરજીયાત ખાનગીવાહન અથવા અન્ય પરિવહન સુવિધાનો આશરો લેવો પડે છે. આ જ રીતે શહેરોમાં પણ 10-15 મીનીટે બસ મળે છે તેટલી વારમાં તો 6 કિલોમીટર સુધીનું અંતર કપાય જાય એટલે રાહ જોવાના બદલે લોકો ખાનગી વાહન વાપરવાનું જ પસંદ કરી રહ્યા છે.
અમદાવાદ-રાજકોટ જેવા મોટા શહેરોમાં બીઆરટીએસ-સીટી બસનું નેટવર્ક હોવા છતાં લોકોને યોગ્ય કનેકટીવીટી મળતી ન હોવાથી ઓછો ઉપયોગ કરી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં જાહેર પરિવહન લોકોની જરૂરિયાત પ્રમાણે નથી. માત્ર બીઆરટીએસ કે મેટ્રોની સુવિધાથી લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટ તરફ આકર્ષાય ન શકે. બીજુ કારણ એ છે. કે, લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વાહનોની વધતી સંખ્યા પાછળ બાળકોને ટુ વ્હીલર લઈ દેવાનો ટ્રેન્ડ પણ જવાબદાર છે. બાળક ધો.10 કે 12 પાસ કરી લ્યે તે સાથે જ માતાપિતા-વાલીઓ તેને ટુ-વ્હીલર અપાવી દેતા હોય છે. સગાસંબંધીઓ-મિત્રોના બાળકો પાસે વાહનો જોઈને પોતાના બાળકોને પણ અપાવતા હોય છે.