અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ કૂદકે ને ભૂસકે જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ વધતા જાય છે. તાજેતરમાં સિંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો હતો. તેમજ કઠોળથી લઈને ઘઉં સહિત અનાજ અને લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જ્યારે મસાલા ભરવાની સિઝનમાં મરચાના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જોટાણા માર્કેટ યાર્ડમાં લાલ મરચાનો પ્રતિ 20 કિલોનો ભાવ 1500 સુધી પહોંચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં લાલ મરચાનું ઉત્પાદન સારૂએવું થાય છે. જેમાં જોટાણા વિસ્તાર મરચાની ખેતી માટે જાણીતો છે. હાલ જોટાણા માર્કેટ યાર્ડમાં સીઝનના અંતમા મરચા અને એરંડાની આવક થઈ રહી છે. ખેડૂતો પોતાની ઉપજ લઈ માર્કેટ યાર્ડમાં વેચવા પહોંચી રહ્યા છે. હાલ જોટાણા માર્કેટ યાર્ડમાં લાલ મરચાની આવકની સાથે સાથે એરંડાની પણ ધૂમ આવક થઈ રહી છે. સીઝનના અંતમાં લાલ મરચાના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. યાર્ડમાં લાલ મરચાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાલ મરચાના પ્રતિ મણના 1500 રૂપિયા સુધીનો ભાવ બોલાયા હતા.
જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાની 275 બોરીની આવક જોવા મળી હતી જેના એક મણના ભાવ 1500 નોંધાયા હતા ,માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં પણ તેજી જોવા મળી હતી.યાર્ડમાં એરંડાની 570 બોરીની આવક થઈ હતી જેનો ભાવ 1170 થી 1185 રૂપિયા પ્રતિ મણ નોંધાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં મોટા પ્રમાણમાં મરચા અને એરંડા જેવા પાક ઉગાડાય છે તેથી જોટાણા માર્કેટ યાર્ડમાં મરચા અને એરંડાની આવક વધારે જોવા મળે છે. હવે મરચાનાં ડોડાની સીઝન અંત ભાગમાં ચાલી રહી છે. સીઝનના અંતમાં પણ ખેડૂતોને પ્રતિ મણે રૂપિયા 1500 નો ભાવ યાર્ડમાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા અને તેના આજુબાજુના ગામમાં મરચાનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે હાલ સીઝનના અંત ભાગમાં પણ મરચાનો સારો ભાવ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં મરચાંની સાથે સાથે બીજા પાકની આવક પણ સારી જોવા મળી હતી .ખાખર મરચાની આવક 10 બોરી જોવા મળી હતી અને તેના નીચા ભાવ રૂપિયા 3351 અને ઊંચા ભાવ રૂપિયા 5001 રૂપિયા બોલાયા હતા જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે . જોટાણા માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ 1170થી 1185 રૂપિયા નોંધાયો હતી અને તેની 562 બોરી આવક નોંધાઇ હતી સાથે સાથે કપાસની આવક 50 બોરી નોંધાઇ હતી જેના ભાવ રૂપિયા 1480 નીચો અને ઊંચો ભાવ 1600 નોંધાયો હતો . ઘઉંની આવક 24 બોરી નોંધાઇ હતી જેનો પ્રતિ મણનો ભાવ 433 થી 572 રૂપિયા નોંધાયો હતો .રાયડાનો પ્રતિ મણનો ભાવ 1001 થી 1055 રૂપિયાનો નોંધાયો હતો.