ગુજરાતમાં બે દિવસ તાપમાન 42 ડિગ્રીને વટાવી જશે, ત્યારબાદ કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડશે
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે પણ અસહ્ય ગરમી સાથે માવઠાંનો અનુભવ કરવો પડી રહ્યો છે. ફાગણ મહિનો અને ત્યારબાદ ચૈત્ર મહિનામાં પણ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા.અને વાદળછાંયા વાતાવરણને કારણે અસહ્ય તાપમાનમાં થોડી રાહત પણ મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન વધતું જાય છે. એટલે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે. અને આગામી બે દિવસમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી બાજુ હવામાનના તજજ્ઞ ગણાતા અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે. કે ગુજરાતમાં આગામી તા. 12મી એપ્રિલથી 19મી એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. અને કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમ-સૂકા પવનોની અસરથી ઉનાળામાં પહેલીવાર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. અમદાવાદ સહિત 12 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ નોંધાયો છે. હજુ પણ આગામી બે દિવસ ગરમીનું જોર રહેશે. ત્યારબાદ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. 12મી થી 15મી એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલના કહેવા મુજબ ચાલુ મહિનામાં યાને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડશે. સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારબાદ 23 અને 24 એપ્રિલે માવઠું પડલાની શક્યતા છે.
હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલના કહેવા મુજબ એપ્રિલ અને મે મહિનામાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં. એપ્રિલ મહિનામાં વાતાવરણ સુકુ થશે અને તારીક 12થી 16 વચ્ચે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. અખાત્રીજના દિવસે પણ માવઠુ થવાની સંભાવના છે. મે મહિનામાં પ્રિમોનસુન એક્ટિવીટી શરૂ થશે અને જુન મહિનામાં ભારે પવન સાથે વરસાદ પડશે. 17 જૂનની આસપાસ સારા વરસાદની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આ વખતનું ચોમાસું નબળું રહેશે.