અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓના ઉચ્ચ અધિકારીઓની અણઘડ નીતિને કારણે વાહનોનું લાયસન્સ મેળવનારા અરજદારોને પરેશાનીનો ભોગ બનવું પડે છે. હવે તો પાકા લાયસન્સ માટે પણ બે મહિના પ્રતિક્ષા કરવી પડે છે. અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટમાં ઉતિર્ણ થયા બાદ નિયત ફી ભર્યા બાદ શા માટે મહિનોઓ સુધી લાયસન્સની રાહ જોવી પડે છે. એવો સવાલ ઉઠ્યો છે. અરજદારોને પાકા લાયસન્સ મહિના પછી પણ ન મળતા આરટીઓ કચેરીએ પૂછતાછ માટે આવતા હોય છે. ત્યાં પણ કોઈ જવાબ અપાતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આરટીઓમાં વાહનનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા પછી અરજદાર પાસ હોય તો અધિકારીએ 24 કલાકમાં મંજૂરી આપવાની હોય છે. પરંતુ અધિકારીઓ એક મહિના સુધી પગલાં ન લેતાં હોવાથી લાઈસન્સ માટે દોઢથી બે મહિના રાહ જોવી પડે છે. રાજ્યની વિવિધ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા પછી 4 હજાર લાઈસન્સ સમયસર મંજૂર થયાં નથી. અમદાવાદમાં રોજના 70થી 100 અરજદારોને એકથી બે મહિને પાકું લાઈસન્સ મળે છે. અમદાવાદની ત્રણેય આરટીઓમાં રોજના એક હજારથી વધુ અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટ આપે છે. ટેસ્ટ આપ્યા પછી લાઈસન્સની અરજી મંજૂર કરવાની હોય છે. પરંતુ અધિકારીઓ કાર્યવાહી કરતા નથી. નિયમ મુજબ રોજના ડેટા મંજૂર કરવાના હોય છે. પરંતુ આમ ન થતાં પાકાં લાઈસન્સ એકથી બે મહિને આવે છે. અરજદાર પોતાની અરજી મંજૂર થઈ છે કે નહીં તે પૂછવા આરટીઓ આવે ત્યારે તેને જાણ કરાય છે. એ પછી અધિકારી સમક્ષ જઈને મંજૂરી મેળવાય છે અને પછી જ લાઈસન્સ મળે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. માત્ર અમદાવાદની આરટીઓ કચેરી જ નહીં પરંતુ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓની આ હાલત છે. પાકા લાયસન્સ જ નહીં પણ ડુપ્લીકેટ લાયસન્સ મેળવવા માટે પણ અરજદારોને પ્રતિક્ષા કરવી પડે છે. અરજદારો કહિ રહ્યા છે. કે આના કરતા તો જુની પ્રથા સારી હતી. (file photo)