ભારતમાં દર વર્ષે લગભગ 800 ટન સોનાની આયાત, 10 મહિનામાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોનાની આયાત ઉપર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરતા સોનાની આયાતમાં ઘટાડો થયાંનું નોંધાયું છે. દસ મહિનાના સમયગાળામાં સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ ચાંદીની આયાતમાં 66 ટકા જેટલો વધારો થયો છે. દુનિયામાં સોનાની સૌથી વધારે આયાત ભારતમાં થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે 800થી વધારે ટન સોનાની આયાત થાય છે. જો કે, 10 મહિનાના સમયગાળામાં જ્વેલરી નિકાસમાં ઘટાડો નોંધાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં વધારો થયો છે. દરમિયાન 10 મહિનાના સમયગાળામાં ભારતની સોનાની આયાતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને $31.8 બિલિયન થઈ ગયો છે. સોનાની આયાતમાં ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે ગયા વર્ષે સોના ઉપર કસ્ટમ ડ્યુટી વધારી હતી.
ગયા વર્ષે સમાન સમયગાળામાં સોનાની આયાત 45.2 અબજ ડોલરની હતી. ઓગસ્ટ 2022 પછી સોનાની આયાતમાં ઘટાડો જોવા મળી મળ્યો છે. બીજી તરફ દસ મહિનામાં ચાંદીની આયાતમાં 66 ટકાનો વધારો થયો છે. ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાતકાર દેશ છે. દેશમાં દર વર્ષે લગભગ 800 થી 900 ટન સોનાની આયાત થાય છે. આ સોનાનો મોટાભાગનો ઉપયોગ જ્વેલરી બનાવવા માટે થાય છે. ગયા નાણાકીય વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં જ્વેલરીની નિકાસમાં 0.3 ટકાનો ઘટાડો થયો હતો અને તે $35.2 બિલિયન રહી હતી. દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારાને પગલે સામાન્ય પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.