લખનૌઃ કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે, ભારત માત્ર આબોહવા પરિવર્તન સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે આપત્તિ પ્રતિકારક માળખાકીય સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નો સભ્ય પણ છે. આંતરરાષ્ટ્રીય જોડાણો જેમ કે કોએલિશન ફોર ઇન્ડસ્ટ્રી (સીડીઆરઆઇ) અને લીડરશિપ ગ્રૂપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (લીડઆઇટી) શરૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઉદાહરણ પણ સ્થાપિત કરી રહ્યું છે.
ઉત્તર પ્રદેશના લખનૌમાં આયોજિત રાષ્ટ્રીય આબોહવા સમિટ 2023ના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી યાદવે કેન્દ્રીય બજેટ 2023-24માં હરિયાળી વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિત ભારતની વિવિધ આબોહવા-સંબંધિત પહેલોની રૂપરેખા આપી હતી. તેમણે કોન્ફરન્સમાં ગ્રીન ક્લાઈમેટ ફંડ (GCF) ટીમની હાજરીની પ્રશંસા કરી અને તમામ સહભાગીઓને GCFના કાર્યની ઊંડી સમજ વિકસાવવા અને નક્કર આબોહવા-સંબંધિત પ્રોજેક્ટ્સ વિકસાવવા વિનંતી કરી હતી. તેમણે ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે આબોહવા પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર સકારાત્મક અને સક્રિય રીતે યુવાનોને જોડવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, સંરક્ષણ અને વ્યવસ્થાપન પદ્ધતિ સદીઓથી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો એક ભાગ છે. આ પદ્ધતિ કરુણા અને સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે છે. તેમણે એ હકીકતને રેખાંકિત કરી હતી કે આબોહવા પરિવર્તન આજે સૌથી મોટો પડકાર છે અને તેની અસર ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આ પડકારો વચ્ચે આપણે કોઈ રસ્તો કાઢવો પડશે. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલા વિવિધ સફળ પ્રોજેક્ટો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પર્યાવરણ સચિવ લીના નંદને ક્લાઈમેટ ફાઇનાન્સનો અવકાશ, સ્કેલ અને ગતિ વધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મહત્વાકાંક્ષી આબોહવા યોજનાઓ સાથે ઉભરતી વિકાસશીલ અર્થવ્યવસ્થા તરીકે, અમારી પાસે સમુદાય સ્તર સહિત વિવિધ સ્તરે તકો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે GCF આબોહવા પગલાં માટેની અમારી તૈયારીને અનુરૂપ પ્રતિસાદ આપશે, એમ તેમણે ઉમેર્યું.