જીરાના ભાવમાં રેકર્ડબ્રેક તેજી, વિદેશમાં માગ વધતા પ્રતિ 20 કિલોના 8000 બોલાયા, ખેડુતો ખૂશખૂશાલ
રાજકોટઃ ડુંગળી અને બટાકાને બાદ કરતા આ વખતે મોટાભાગની કૃષિ ઉપજના ભાવ ખેડુતોને એકંદરે સારા મળ્યા છે. જેમાં જીરાના ભાવે રેકોર્ડબ્રેક સર્જ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડમાં જીરુંના ભાવે રૂ. 8 હજારની સપાટી વટાવી દીધી છે. જે અત્યાર સુધીનો સૌથી રેકોર્ડબ્રેક ભાવ છે. વેપારીઓના જણાવ્યાનુસાર જીરુંના ઉત્પાદન માટે મહત્ત્વના ગણાતા તુર્કી, સીરિયા અને ચાઈનામાં વાતાવરણ બગડતા ત્યાંનો પાક નિષ્ફળ ગયો છે. જેથી દેશ- વિદેશમાં સૌરાષ્ટ્રના જીરુંની ડિમાન્ડમાં વધારો થયો છે. ગત વર્ષનો સ્ટોક પણ ખલાસ છે. ડિમાન્ડ વધતા ભાવમાં ઉછાળો આવ્યો છે. સપ્તાહમાં મણે રૂ.1400નો વધારો નોંધાયો છે.
જથ્થાબંધ જીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે દેશભરમાં જીરુંનું ઉત્પાદન અંદાજિત 70 લાખ બોરીનું હતું. આ વખતે પણ પાક એટલો જ આવશે. એક અંદાજ મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીરુંની ખપત 80 લાખ બોરી સુધી રહેશે. સૌરાષ્ટ્રમાં પણ માર્ચમાં વરસાદ પડ્યો હતો. સામાન્ય રીતે આ સમયે નવી આવક થતી હોય છે. તેથી ખેતરમાં જે પાક હતો તે યાર્ડ સુધી પહોંચી ગયો હતો એટલે રાજસ્થાન જેટલું નુકસાન સૌરાષ્ટ્રના પાકમાં થયું નથી. એટલે જ સૌરાષ્ટ્રના જીરુંની ડિમાન્ડમાં વધારો થયો છે. ફેબ્રુઆરી અંત અને માર્ચ માસની શરૂઆતમાં જીરુંના ભાવે રૂ. 6 હજારની સપાટી કુદાવી હતી. આથી બજારમાં જૂનો માલ પણ ઠલવાયો હતો. ત્યાર બાદ ભાવમાં ઘટાડો આવ્યો હતો અને ભાવ રૂ.5 હજાર સુધી ગયા હતા. ફરી એપ્રિલમાં ભાવવધારો આવ્યો છે. રાજસ્થાન પણ જીરુંના વાવેતર માટે અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્ર કરતા ત્યાં જીરુંનો પાક એક મહિનો મોડો આવે છે. ત્યાં પણ વરસાદ પડ્યો છે. એટલે ત્યાં ઊભો પાક હતો તેને નુકસાન ગયું છે. જેથી ત્યાંથી થતી આવક પણ ઓછી છે.
રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ કમોસમી વરસાદને કારણે જીરુંની ગુણવત્તા પર પણ અસર આવી છે. ચમક ઝાંખી પડી ગઇ છે અને કલર પણ કાળો થઈ રહ્યો છે. નવી સિઝન શરૂ થવામાં હજુ 10 મહિનાની વાર છે. ત્યારે સિઝન પૂર્ણ થયા પછી પણ ભાવ રૂ.10 હજારની સપાટીએ પહોંચે તેવી સંભાવના છે. જીરાના ભાવમામાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જીરાના ભાવમાં ભારે તેજી સાથે 20 કિલોના ભાવ રૂ. 8000 બોલાતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. આમ દેશના ઈતિહાસમાં જીરાના સૌથી વધુ ભાવ જોવા મળ્યા છે.
સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં જીરાના ભાવમા ભારે તેજી જોવા મળી છે. અને ઐતિહાસિક વધારા સાથે જીરાનાના ભાવ 20 કિલોના રૂ.8000 બોલતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે છેલ્લા 10 દિવસમાં જીરાના રૂ. 20 કીલોના રૂ. 6500ના ભાવમાં ઐતિહાસિક તેજી સાથે 1500 રૂપિયા વધીને 8000 રૂપિયા બોલાવા લાગ્યા છે.