અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. શહેરના સીમાડા સુધી રહેણાંક મકાનો બની ગયા છે. ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વખતે તેનો વ્યાપ મહેસાણાથી ગાંધીનગર, ખેડાથી લઇ સાણંદ સુધીના 169 ગામો અને 5 નગરપાલિકા તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો વિસ્તાર આવરી લેવામાં આવશે. શહેરનો વિકાસ આગામી 10 વર્ષ કેવો હશે તેનો આધાર 10 વર્ષીય ડેવલોપમેન્ટ પ્લાન પર આધારિત હોય છે. 2023નો વર્ષ ડેવલોપમેન્ટ પ્લાનને તૈયાર કરવામાં ઔડાની ટીમ લાગી છે. શહેરના બિલ્ડરો માટે ડેવલોપમેન્ટ પ્લાન ખૂબ જ અગત્યનો હોય છે. ક્યા વિસ્તારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આ પ્લાન પરથી નક્કી કરી શકાય છે. હાલ જે ડેવલોપમેન્ટ પ્લાન અમલી છે તેની ટેકનિકલી મુદ્દત ચાલુ વર્ષે પૂર્ણ થઇ રહી છે. આ વખતે ઔડાને કસરત વધારે કરવી પડશે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે શહેરી વિકાસ વિભાગ છે અને તેઓ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેમજ શહેરી ડેવલોપમેન્ટ પ્લાનમાં અંગત રસ લઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના નવા ડેવલપમેન્ટ પ્લાનમાં સરદાર પટેલ રિંગ રોડ ની બહાર રેસિડેન્શિયલ ઝોન મૂકવાની વિચારણા ચાલી રહી છે તેમજ એફોર્ડેબલ હાઉસિંગ ઝોન પણ મૂકવામાં આવશે. FSI પણ વધારવામાં આવશે. એટલું જ નહીં, આઇકોનિક બિલ્ડિંગ માટે GDCRમાં જ જોગવાઇ કરવામાં આવશે. હાલ રાજ્ય સરકાર પાસે આઇકોનિક બિલ્ડિંગની પરમિશન માંગવામાં આવે છે. મ્યુનિ. હદમાં આવેલા ગામતળના ડેવલોપમેન્ટ માટે ખાસ સુધારો કરવામાં આવશે. શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 2013માં પ્લાન સબમિટ કરવામાં આવ્યો હતો અને 33 જેટલા સુધારા કરવામાં આવ્યા હતા અને સરકારે ત્યાર બાદ તેને મંજૂરી આપી હતી. તે સમયે તંત્રને એવી આશા હતી કે સરદાર પટેલ રિંગ રોડ બહાર ડેવલોપમેન્ટ અટકી જશે પણ તે અટક્યુ નહીં. પ્લાનમાં આ વખતે પૂર્વ અમદાવાદમાં વધુ FSI મળે તેવી ધારણા છે. હયાત ઝોનમાં નવી છૂટછાટ આપવામાં આવશે. શહેરના CBDT વિસ્તાર તથા ટ્રાન્ઝિટ કોરિડોર વિસ્તારમાં બાંધકામને પ્રોત્સાહન મળે તે માટે GDCR જોગવાઇ કરવામાં આવશે. અમદાવાદની ફરતે સ્કાય લાઇન ઊભી કરવા કાયદામાં જોગવાઇ કરાશે. (file photo)