અમદાવાદઃ રાજ્યમાં નશાનો કાળો કારોબાર કરનાર માફિયાઓ અને પેડલરોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અવાર-નવાર માદક દ્રવ્યોના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ ડ્ર્ગ્સના નેટવર્કને તોડી પાડીને યુવાનોને નશાના રવાડે અટકાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. પોલીસે ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ કરીને લાખોની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર મોરવા હડફ તાલુકાના તાજપુરી ગામમાં રહેતા ભરતસિંહ બારીયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું હતું. દરમિયાન આ અંગેની માહિતીના આધારે ગોધરા એસઓજીએ દરોડો પાડ્યો હતો. એસઓજીની તપાસમાં ખેડૂતના ખેતરમાંથી એક-બે કિલો નહીં પરંતુ 39 કિલો લીલા ગાંજાના છોડ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. એસઓજીએ રૂ. 3.90 લાખની કિંમતના ગાંજાના છોડને જપ્ત કર્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને ખેડૂતની ધરપકડ કરી હતી. એટલું જ નહીં આસપાસમાં અન્ય કોઈ સ્થળ ઉપર ગાંજાનું વાવેતર થયું છે કે કેમ તે અંગે પણ તપાસ શરુ કરી હતી.
મોરવાહડફ તાલુકાના તાજપુરી ગામના ખેડૂતના ખેતરમાંથી લાખોની કિંમતના ગાંજાના લીલા છોડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ગ્રામજનોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. અગાઉ પણ પંચમહાલ જિલ્લામાંથી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. અગાઉ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં સંભવિત ગાંજા નો છોડ મળી આવતા જાત જાતની ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. એટલુ જ નહીં પણ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ આ છોડ અંગે યોગ્ય તપાસ કરાવે તે પહેલા જ તેને બાળી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે આ છોડ અંગે તપાસ કરાવવાના નામે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આરએમઓએ ભેદી મૌન ધારણ કર્યું હતું.
(PHOTO-FILE)