નવી દિલ્હીઃ નવી શરાબ નીતિ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે, હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ સામે કાનૂની ગાળિયો સીબીઆઈ કસશે. દરમિયાન અરવિંદ કેજરિવાલને પૂછપરછ માટે સીબીઆઈએ નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નવી શરાબ નીતિ કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે. નવી શરાબ નીતિ કેસની તપાસમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનિષ સિસોદિયાની સંડોવણી ખુલી હતી. જેથી તપાસ એજન્સીએ તપાસ આરંભીને મનિષ સિસોદિયાની લંબાણપૂર્વકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. હાલ મનિષ સિસોદિયા જેલવાસ ભોગવી રહ્યાં છે, બીજી તરફ સમગ્ર કેસની સીબીઆઈએ ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે.
દરમિયાન સીબીઆઈએ અરવિંદ કેજરિવાલની પૂછપરછ માટે કવાયત શરૂ કરી હતી. સમગ્ર કેસમાં સીબીઆઈએ અરવિંદ કેજરિવાલને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ તેમને નોટિસ પાઠવીને 16મી એપ્રિલના રોજ પૂછપરછ માટે બોલાવ્યાં છે. સીબીઆઈએ અરવિંદ કેજરિવાલે આપલે નોટિસ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, તપાસ એજન્સનીની તપાસમાં અરવિંદ કેજરિવાલ સહયોગ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આબકારી નીતિ મામલે અગાઉ સીબીઆઈએ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. દરમિયાન સીબીઆઈએ તેમના બેંકના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત તપાસનીશ એજન્સીએ દિલ્હીના કેટલાક સરકારી અધિકારીઓની ધરપકડ કરી હતી. તેમજ તેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરી હતી. જેમાં મનિષ સિસોદિયાની સંડોવણી સામે આવી હતી.