1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મ્યુનિ.ની ઢોર નિયંત્રણ પોલિસીમાં લાઇસન્સ અને દંડની રકમ અંગે સપ્તાહમાં નિર્ણય
અમદાવાદમાં મ્યુનિ.ની ઢોર નિયંત્રણ પોલિસીમાં લાઇસન્સ અને દંડની રકમ અંગે સપ્તાહમાં નિર્ણય

અમદાવાદમાં મ્યુનિ.ની ઢોર નિયંત્રણ પોલિસીમાં લાઇસન્સ અને દંડની રકમ અંગે સપ્તાહમાં નિર્ણય

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ સર્જાતા હોય છે. ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકાર અને મેયુનિ,કોર્પોરેશનને ટકોર કરીને પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર માટે દંડ અને લાયસન્સ માટે પોલિસી બનાવવામાં આવી છે. રખડતાં ઢોર નિયંત્રણ પોલિસીને સ્ટેન્ડિંગ કમિટિ દ્વારા વિચારણા માટે બાકી રાખવામાં આવી છે. રખડતા ઢોરને છોડાવવા માટે રકમ નક્કી કરવા માટે તેમજ પ્રતિ ઢોર લાઇસન્સ હોવું જોઈએ કે પછી ઢોર માલિક દીઠ એક લાઇસન્સ હોવું જોઈએ તે અંગેની સ્પષ્ટતા મ્યુનિ. કમિશનર પાસે માંગી છે જેથી આ મામલે વિચારણા બાદ આગામી કમિટીમાં આ મામલે નિર્ણય લેવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ.ના  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર મામલે નવી પોલિસી બનાવવામાં આવી છે. જે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, નવી પોલિસીમાં કેટલીક બાબતો અંગે વિચારણા કરવાની જરૂર છે. જેમાં ખાસ કરીને જે લાઇસન્સ લેવાનું છે તેમાં પ્રતિ ઢોર લાઇસન્સ લેવું પડશે કે ઢોર માલિક દીઠ એક લાઇસન્સ લેવાનું રહેશે તેની કોઈ સ્પષ્ટતા નથી. આ ઉપરાંત દંડની રકમમાં જે રીતે વધારો કરવામાં આવ્યો છે તે દંડની રકમ પણ કેટલી રાખવી તે અંગે વિચારણા જરૂરી છે. જેથી હાલ આ પૂરતી પોલિસીને વિચારણા માટે બાકી રાખવામાં આવી છે. જો કે, આ પોલિસીને લાગુ તો કરવામાં આવશે જ પરંતુ થોડા તેમાં ફેરફાર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરોને પશુ માલિકો દ્વારા જો સમય મર્યાદામાં ન છોડાવવામાં આવે તો દુધાળા, ખેતી લાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચાણ કરી અને આવક ઊભી કરવાની જોગવાઈ પણ પોલિસીમાં મૂકવામાં આવી છે. જો કે, પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો છે. રખડતા ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત રાખવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ  ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે,  રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત નિવારી શકાય અને ઢોરને પકડવાની કામગીરીના ચુસ્ત અમલીકરણ માટે ઢોર ત્રાસ અંકુશ માટેના નિયમોનો સમાવેશ કરતી નવી પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસીને ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code