1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ : આચાર્ય દેવવ્રતજી
વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ : આચાર્ય દેવવ્રતજી

વિદ્યાર્થીઓએ સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ : આચાર્ય દેવવ્રતજી

0
Social Share

અમદાવાદઃ ભારત રત્ન શ્રી ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા અને આર્ષ વિદ્યામંદિર, રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. યુ .જી.સી. દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-1 યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ-નેક દ્વારા આ યુનિવર્સિટીને A++ ઉચ્ચતમ ગ્રેડ મળ્યો છે. આ બંને સન્માન મેળવનાર ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી બનતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં યુનિવર્સિટીના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.

દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓએ જીવનમાં સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ. પ્રકાશના એક કિરણમાં ઘનઘોર અંધકારને ચીરવાની ક્ષમતા છે, એમ સત્ય એ પ્રકાશ છે. જીવનમાં સત્યનું આચરણ કરવાથી આત્મિક, માનસિક અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. ‘સત્યમેવ જયતે’, અંતિમ વિજય સત્યનો જ છે. ધર્મ એટલે જવાબદારી અને કર્તવ્યનું પાલન. માતૃધર્મ, પિતૃધર્મ, રાષ્ટ્રધર્મ; એમ ધર્મની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શપથ લે કે તેઓ જવાબદાર નાગરિક બનશે. દીન-દુખીયાની સેવા કરતાં કરતાં હંમેશા પરોપકાર અને ભલાઈના માર્ગે ચાલશે. ભારત વિશ્વગુરુ બને એ દિશામાં પ્રયત્ન કરીને રાષ્ટ્રના ઉત્તમ પ્રહરી બનશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતીએ આ દેશને નરેન્દ્ર મોદી જેવા યશસ્વી પીએમ આપ્યા છે, જે દેશના નિર્માણમાં- વિશ્વગુરુ બનાવવામાં અહર્નિશ કામ કરી રહ્યા છે. આપણે આપણા અધિકારો પ્રત્યે જેટલા જાગૃત છીએ એટલા જ આપણા કર્તવ્ય પ્રત્યે પણ થઈએ. હંમેશા પ્રામાણિક અને સારા કર્મો કરવા તેમણે વિદ્યાર્થીઓને શીખ આપી હતી. ‘રિસર્ચ’ એ ‘ઋષિ’નો જ અપભ્રન્સ થયેલો શબ્દ છે, એવો પ્રાસ બેસાડતાં તેમણે કહ્યું કે, પુરાણકાળમાં ઋષિઓએ જે સંશોધનો કરીને શાસ્ત્રોમાં લખ્યાં છે, એ વાતો આજે લેબોરેટરીમાં રિસર્ચ કરતાં સાબિત થાય છે. ઋષિઓએ વેદ,,ઉપનિષદ, શાસ્ત્રોમાં ભૌતિક અને આધ્યાત્મિક, પ્રેય અને શ્રેય બંને પ્રકારના શિક્ષણની વાત કરી છે. તેમણે વિદ્યાર્થીઓને વિચાર, વાણી અને કર્મમાં હંમેશા પવિત્રતા જાળવવાની શિખામણ આપી હતી.

આ દીક્ષાંત સમારોહમાં ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં આજે દરેકે દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થકી આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. નવી શિક્ષણ નીતિ દ્વારા દેશમાં હવે જ્ઞાન અને માહિતી વચ્ચેની ભેદરેખા દૂર થઈ રહી છે. આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં મૂલ્યવર્ધિત શિક્ષણની તાતી જરૂરિયાત છે, ત્યારે નવી શિક્ષણ નીતિ દેશના યુવાનોને પોતાના મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડીને દુનિયા સાથે તાલમેલ મેળવવા માટે તૈયાર કરશે એમ તેમણે જણાવ્યું હતું.

નવા યુગમાં શિક્ષણના બહુવિધ હેતુઓ અંગે વાત કરતાં ઋષિકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે જ્યારે આપણો દેશ દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણું શિક્ષણ પણ બહુવિધ હેતુઓ આધારિત હોવું જરૂરી છે. શિક્ષણ વિદ્યાર્થીઓને તેની સામાજિક અને નૈતિક જવાબદારીઓ સુપેરે નિભાવતા શિખવાડે તે જરૂરી છે. મૂલ્યવર્ધિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે સભાનતા કેળવાવી જોઈએ. આવનારા સમયમાં આપણા વિદ્યાર્થીઓ વૈશ્વિક પરિમાણો અને પડકારોનો અનેરા આત્મવિશ્વાસ સાથે સામનો કરી શકે તે માટે તેમને તૈયાર કરવાનો આપણો ધ્યેય છે. નવી શિક્ષણ નીતિ આવનારા સમયમાં ચોક્કસપણે દેશને પોતાની નૈતિક અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે સભાન નાગરિકો આપશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પદવીદાન પ્રસંગે વધુમાં વાત કરતાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે ભારત ‘વસુધૈવ કુટુમ્બકમ’ના સૂત્ર સાથે G20 ની યજમાની કરી રહ્યું છે. ભારતની સંસ્કૃતિ અને વૈચારિક મૂલ્યોને દુનિયાભરમાં સ્થાપિત કરવાનું કાર્ય આપણે કરી રહ્યા છીએ. સાચું શિક્ષણ એ છે જે વિસ્તારવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદના બંધનો દૂર કરીને સૌને એકબીજાની સાથે લાવીને નિરપેક્ષભાવ કેળવે તથા સૌને ધર્મ અને સંસ્કૃતિના વારસા સાથે જોડે. બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટી પણ આ દિશામાં કાર્ય કરી રહી છે. બાબાસાહેબ આંબેડકરે અત્યંત કપરી પરિસ્થિતિઓમાંથી આગળ આવીને દેશને દિશા આપવાનું કામ કર્યું હતું અને લોકશાહી પધ્ધતિથી દેશને ચલાવવા માટે દેશનું બંધારણ ઘડવાનું કાર્ય કર્યું હતું. તેમણે દેશના છેવાડાના માનવીના હકો અને તેમના અધિકારો માટે ખૂબ ઉમદા કાર્ય કરેલું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code