કેદારનાથ યાત્રા: દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાતે આવે તેવી શક્યતા
દહેરાદુન : ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરની વાર્ષિક યાત્રા 25 એપ્રિલથી શરૂ થવાની છે અને દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાત લે તેવી અપેક્ષા છે. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મયુર દીક્ષિતે મંગળવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે આ વખતે કેદારનાથ યાત્રા માટે 13,000 શ્રદ્ધાળુઓની દૈનિક મર્યાદા નક્કી કરી છે અને યાત્રાળુઓની સુવિધા માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.
દીક્ષિત અને રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક (SP) વિશાખા અશોક ભડાનેએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. ભડાનેએ આગામી યાત્રાની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દીક્ષિતે જણાવ્યું હતું કે મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની દૈનિક મર્યાદા અને યાત્રાના સુચારૂ સંચાલન માટે ટોકન સિસ્ટમની રજૂઆત કરવામાં આવી છે.
યાત્રાના રૂટ પર 22 ડોકટરો અને એટલી જ સંખ્યામાં ફાર્માસિસ્ટની તૈનાત સાથે યાત્રાળુઓને આ વખતે વધુ સારી તબીબી સુવિધાઓ મળશે. દીક્ષિતે કહ્યું કે આમાં ત્રણ ડોક્ટર અને બે ઓર્થોપેડિક સર્જન હશે. યાત્રાના રૂટ પર 12 તબીબી સહાય કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,દર વર્ષે અખાત્રીજ બાદ ઉત્તરાખંડના ચારધામની યાત્રા શરૂ થાય છે. જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામમાં પૂર્ણ થાય છે. આ ચાર જગ્યાને પવિત્ર ધામ માનવામાં આવે છે. આ ચારેય ધામનું ધાર્મિક મહત્ત્વ પણ છે. ઉત્તરાખંડ ચારધામ યાત્રાના બે મુખ્ય મંદિર કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. કેદારનાથ મંદિરના દ્વાર 25મી એપ્રિલે અને બદ્રીનાથ મંદિરના દ્વાર 27મી એપ્રિલથી ભક્તો માટે ખોલવામાં આવશે.