આર્થિક સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનમાં ગુગલ ઉપર વિઝા ટ્રેન્ડીંગ
નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, એટલું જ નહીં ખાદ્યસંકટ પણ વધારે ઘેરુ બન્યું છે. લોકોને પુરતુ ભોજન પણ ઉપલબ્ધ થતું નથી. વધતી મોંઘવારીને પગલે મુશ્કેલીમાં મુકાયેલી પાકિસ્તાનની જનતાએ પીએમની શરીફ સરકાર ઉપર વિશ્વાસ ગુમાવ્યો છે. બીજી તરફ હવે પાકિસ્તાનની જનતા દેશ છોડીને અન્ય દેશમાં જવાની ઈચ્છા રાખી રહ્યાં છે, એટલું જ નહીં પાકિસ્તાનમાં હાલ ગુગલ ઉપર હાલ વિઝા ટ્રેન્ડીંગ ચાલી રહ્યું છે. આ અંગે આર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના જાણીતા અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ કહ્યું છે કે, આવનારી આર્થિક કટોકટી, રાજકીય અસ્થિરતા, વધતી જતી ખાદ્ય મોંઘવારી અને આતંકવાદી હુમલાઓને કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયારી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં અહમદી સમુદાયના આતિફની પાંચ વર્ષ પહેલા નોકરી છુટી ગઈ હતી. તેમણે વોઈસ ઓફ અમેરિકા (VOA)માં દેશની સ્થિતિ પર એક લેખ લખ્યો છે. કથળતી આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરતા અર્થશાસ્ત્રી આતિફ મિયાંએ લખ્યું, “પાકિસ્તાન એક એવી જગ્યા છે જ્યાં રોકાણકારો જવા માટે તૈયાર નથી, જ્યારે વિઝા Google Trends Pakistan પર સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોમાંનો એક છે.”
તેમના મતે ભારત કે બાંગ્લાદેશમાં આટલી મોટી સંખ્યામાં વિઝાને લઈને સર્ચ કરાતી નથી. આ દર્શાવે છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડવા માટે તૈયાર છે. આતિફ મિયાંના મતે, રાજકારણીઓ હોય, અમલદારો હોય કે લશ્કરી સંસ્થાન, આજે સરકાર લોકોમાં પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે.