અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ, ખાણીપીણી માટે પ્રવાસીઓ ઉમટ્યાં
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. અનેક પ્રવાસીઓ વિદેશથી રોજબરોજ આવી રહ્યા છે. ત્યારે ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓ ખરીદી કરી શકે તે માટે 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ એરપોર્ટ પર ઉપલબ્ધ કરાયા છે. તેમજ ખાણીપીણી અને રિટેલના પણ 30થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓનો ધસારો વધતો જાય છે. વિદેશ જનારા કે આવનારા પ્રવાસીઓ એરપોર્ટ પર વિવિધ ચિજ-વસ્તુઓ ખરીદી શકે, ઉપરાત ખાણી-પીણીની મોજ માણી શકે તે માટે આઉટલેટ ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને સમરમાં પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ રહેતો હોય છે. એટલે કે વિન્ટરમાં પ્રદેશથી આવનારા અને સમરમાં વિદેશ જનારા સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળતા હોય છે. એટલે એરપોર્ટ દ્વારા આ વર્ષે સમર કાર્નિવલનું 23મી એપ્રિલથી 2 જુલાઈ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ખાણીપાણી અને ખરીદી પર ઓફર આપવામાં આવી રહી છે. ઉપરાંત એરપોર્ટ પર સેલ્ફી બૂથ, એન્ગેજમેન્ટ ઝોન અને એન્ગેજમેન્ટ કિઓસ્ક જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમર કાર્નિવલમાં પ્રવાસીઓને ખાદ્યપદાર્થો, પીણાં અને રિટેલના વિવિધ 30થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટના T-1 અને T-2 બંને ટર્મિનલના વિવિધ વિસ્તારોમાં આ સુવિધા હશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શોપિંગને સરળ બનાવવા એરપોર્ટ દ્વારા મોબાઈલ એપ્લિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઝડપી ખરીદી માટે એરપોર્ટ પર QR કોડ રાખવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા અનેક ઓફર્સ મોબાઈલ પર જાણી શકાશે.