ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ફરીથી રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવી શકશે
અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધારણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થાય તો તેને રિપિટર તરીકે ઘેર બેસીને ફરીવાર પરીક્ષા આપવી પડે છે. પણ બોર્ડ દ્વારા હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલમાં પ્રવેશ અપાશે. ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 2023 થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ આ નિયમ લાગુ પડશે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો સાથેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધારણ 10ની પરીક્ષામાં દર વર્ષે અંદાજે લાખો વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ત્યારે દર વર્ષે નાપાસ થતા 4 લાખ જેટલા વિદ્યાર્થીઓને રેગ્યુલર અભ્યાસ સાથે પરીક્ષા આપવાની તક મળશે. અગાઉ ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ અપાતો ન હતો. હાલના નિયમો મુજબ એકવાર વિદ્યાર્થી નાપાસ થાય ત્યારબાદ રિપીટર તરીકે પરીક્ષા આપવાની ફરજ પડતી હતી. ત્યારે હવે પાંચ વર્ષ પહેલા રદ થયેલો નિયમ ફરીવાર લાગુ કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય શિક્ષણ વિનિયમનોમાંથી ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીને રિપીટર તરીકે પરીક્ષા આપવા અંગેની જોગવાઈ રદ કરવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત થઈ હતી. પાંચ વર્ષ પહેલા રદ થયેલા નિયમને કારણે નાપાસ વિદ્યાર્થી ફરીવાર સ્કૂલમાં એડમિશન ન હતા લઈ શકતા. ત્યારે શાળા સંચાલક મંડળની રજૂઆત શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી, હવે શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં પરિપત્ર જાહેર કરશે. (FILE PHOTO)