ગુજરાત યુનિવર્સિટીમાં તા.5મી મેથી ઓનલાઈન પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ, 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી,
અમદાવાદઃ ધોરણ-12ના પરિણામ પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાશે. ગુજરાત યુનિ સંલગ્ન વિનિયન. વાણિજ્ય અને વિજ્ઞાનની કોલેજાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાશે. આગામી તા. 5મી મેથી પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક તાજેતરમાં મળી હતી. તેમાં આગામી 5મી મેથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. પ્રવેશ પ્રક્રિયાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદ કરેલી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય બાદ બોર્ડ પાસેથી પરિણામની સીડી મેળવવામાં આવશે. એટલે ઓનલાઈન મેળવેલા માર્ક્સની ખરાઈ પણ થઈ જશે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 350 કોલેજોમાં અંદાજે 70 હજાર બેઠકો માટે આગામી શૈક્ષણિક વર્ષ માટે 5મી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઓનલાઇન પ્રવેશ માટે 125 રૂપિયા રજિસ્ટ્રેશન ફી વિદ્યાર્થીએ ભરવી પડશે. આ પ્રવેશ પ્રક્રિયા માટે સિન્ડિકેટની બેઠક મળી હતી. તેમાં 5 મેથી પ્રિ-રજિસ્ટ્રેશન વિદ્યાથીઓ કરી શકશે. સાયન્સ અને કોમર્સમાં બીએ, બીકોમ, બીસીએ, બીબીએ સહિતના યુજી લેવલના કોર્સિસ માટે 2 રાઉન્ડ જ્યારે આર્ટસમાં 1 રાઉન્ડ ઓનલાઈન એડમિશન યોજાશે. આ માટે સરકારી એજન્સી GIPL એડમિશનની કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી GIPLને વિધાર્થીદીઠ 68 રૂપિયા ચૂકવશે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા સમયસર શરુ થાય અને પૂર્ણ થાય તે માટે સરકારી કંપની જીઆઈપીએલ કંપનીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. એડમિશન કાર્યવાહી 2023-24ની પ્રક્રિયા જીઆઈપીએલ કરશે. પાછલા 2 વર્ષના આંકડા જોઈએ તો 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા છે અને 70 હજાર વિદ્યાર્થીઓ એડમિશન લે છે. જેથી આગામી સત્ર માટે પણ 70 હજાર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી 10 દિવસમાં એડમિશન પ્રક્રિયા શરુ થઈ જશે. એડમિશન માટે ગયા વર્ષે પણ 2 રાઉન્ડ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ એડમિશનના 2 રાઉન્ડ થઇ શકે છે.