અમદાવાદઃ શહેરના માર્ગો અને રખડતા ઢોર મામલે થયેલી સુનાવણીમાં રાજ્યની વડી અદાલતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આડેહાથ લીધી હતી. બિસ્માર માર્ગ મામલે એએમસીની ઝાટકણીની કાઢતા નોંધ્યું હતું કે, ખરાબ રસ્તાની સમસ્યાનો નિકાલ જરુરી છે. હાઈકોર્ટે મનપાને આ અંગે ચોક્કસ રિપોર્ટ સાથેનું સોગંદનામુ રજુ કરવા નિર્દેશ કર્યો હતો. નવા રસ્તા બનાવવા છતા વારંવાર તુટવા ગંભીર બાબત છે. હાઈકોર્ટે બિસ્માર માર્ગો મામલે મનપાને અણિયારા સવાલો કર્યાં હતા.
કેસની હકીકત અનુસાર અમદાવાદ શહેરમાં રખડતા ઢોર બિસ્માર માર્ગના નામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજદારે રજુઆત કરી હતી કે, તૂટેલા રોડ રસ્તા, રખડતા ઢોરને કારણે ટ્રાફિકની સ્થિતિ વિકરાલ બની રહી છે. જેથી ચોમાસા પહેલા ચોક્કસ જવાબદારી નક્કી થવી જોઈએ. આ અરજીની આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. બિસ્માર માર્ગો મામલે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, બિસ્માર માર્ગોની સમસ્યને લઈને યોગ્ય નિકાલ લાવવો જરુરી છે. રાજ્યની વડી અદાલતે બિસ્માર માર્ગોને લઈને મનપાની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, રોડ નવા બનાવ્યા છતાં વારંવાર રોડ તૂટવા એ ગંભીર બાબત છે. ગંભીર મામલામાં આવી બાબતોને લઈને સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પોલિસી તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગત સેન્ડિંગ કમિટીમાં આ માટેની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવી ન હતી. પરિણામે તેની અમલવારી પર બ્રેક લાગી છે.