દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી એપ્રિલે એટલે કે આજરોજ સવારે 10:30 કલાકે સૌરાષ્ટ્ર તમિલ સંગમમના સમાપન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે.
આ કાર્યક્રમની ઉત્પત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનમાં રહેલી છે જે પહેલો દ્વારા બહાર લાવે છે અને દેશના વિવિધ ભાગોમાં લોકો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી શોધવામાં મદદ કરે છે. આને ધ્યાનમાં રાખીને અગાઉ કાશી તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સહિયારી સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરીને આ વિઝનને આગળ ધપાવે છે.
સદીઓ પહેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઘણા લોકો તમિલનાડુમાં સ્થળાંતર કરી ગયા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમમે સૌરાષ્ટ્રીયન તમિલોને તેમના મૂળ સાથે પુનઃજોડાવાની તક પૂરી પાડી. 10 દિવસના સંગમમાં 3000થી વધુ સૌરાષ્ટ્રીયન તમિલો ખાસ ટ્રેનમાં સોમનાથ આવ્યા હતા. આ કાર્યક્રમ 17મી એપ્રિલે શરૂ થયો હતો, હવે તેનો સમાપન સમારોહ 26મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે.
ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાનના પ્રયાસોથી અગાઉ કાશી-તમિલ સંગમનું પણ ભવ્ય આયોજન થયું હતું. આ પ્રકારના આયોજનો ભારતની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરનારા અને દેશની એકતાને દ્રઢ કરનારા બની રહે છે. ભારત એક વિચાર એક એવી અનુભૂતિ છે કે જેને શબ્દોથી વ્યાખ્યાયિત કરી શકાય તેમ નથી. આ વિચારને સદીઓ સુધી થયેલા વિદેશી આક્રમણો પણ નષ્ટ કરી શક્યા નથી તેમ સૌરાષ્ટ્રની ધરતી પર સમુદ્ર માર્ગે થયેલા અનેક આક્રમણો સૌરાષ્ટ્રના જુસ્સાને તોડી શક્યા નથી. આક્રમણકારો ધન વૈભવને લૂંટીને લઈ ગયા સાથે સાથે મંદિરો, ઘરો, વિદ્યાલયો, પુસ્તકાલયો તોડ્યા અને તેનો નાશ કર્યો હતો પરંતુ એ આક્રમણકારીઓ સૌરાષ્ટ્રવાસીઓના મનોબળને તોડી શક્યા નહિ અને તેઓ વારંવાર બેઠા થતા રહ્યા છે. આવા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા સદીઓ પૂર્વે તામિલનાડુમાં સ્થાયી થયા અને પોતાની મહેનત અને બુદ્ધિથી સમૃદ્ધિ પામ્યા તેમજ તામિલનાડુના વિકાસમાં પણ મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું. દૂધમાં સાકરની માફક એકબીજા સાથે ભળી જવું અને બીજાને અપનાવી લેવા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. તમિલ સૌરાષ્ટ્ર સંગમ ‘વસુધૈવ કુટમ્બકમ’નો ઉદ્દાત વિચાર આપનાર દેશે પ્રસ્તુત કરેલું શ્રેષ્ઠ ઉદાહરણ છે