પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન,કેન્દ્રએ 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે રાત્રે નિધન થયું છે. મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ રાજનેતાઓએ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારે બાદલના નિધન પર બે દિવસ (26 અને 27 એપ્રિલ) રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન, રાષ્ટ્રધ્વજ અડધો લહેરાશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ નહીં હોય.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રકાશ સિંહ બાદલ આઝાદી પછીના સૌથી મોટા રાજકીય નેતાઓમાંના એક હતા. જાહેર સેવામાં તેમની અનુકરણીય કારકિર્દી મોટાભાગે પંજાબ સુધી સીમિત હોવા છતાં, તેઓ સમગ્ર દેશમાં આદર પામ્યા હતા. તેમના નિધનથી એક શૂન્યાવકાશ સર્જાયો છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી દિલથી સંવેદના.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ પ્રકાશ સિંહ બાદલના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેઓ ભારતીય રાજકારણના મહાન વ્યક્તિત્વ હતા. તેઓ એક અદ્ભુત રાજનેતા હતા જેમણે આપણા દેશ માટે ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે પંજાબની પ્રગતિ માટે અથાક મહેનત કરી અને મુશ્કેલ સમયમાં રાજ્યને સાથ આપ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પ્રકાશ સિંહ બાદલનું અવસાન ભારતીય રાજનીતિ માટે અપુરતી ખોટ છે. પ્રકાશ સિંહ બાદલનો બેજોડ રાજકીય અનુભવ જાહેર જીવનમાં ખૂબ જ મદદગાર હતો.