1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડૂતોને ખરીફ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણો સમયસર મળી રહેશેઃ રાઘવજી પટેલ
ખેડૂતોને ખરીફ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણો સમયસર  મળી રહેશેઃ  રાઘવજી પટેલ

ખેડૂતોને ખરીફ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણો સમયસર મળી રહેશેઃ રાઘવજી પટેલ

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-2023 ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં ખરીફ ઋતુ માટે ગુણવત્તાયુક્ત બીયારણ ખેડૂતોને સમયસર મળી રહે તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ખેતી નિયામક, બાગાયત નિયામક તેમજ રાજ્ય બીજ નિગમના મેનેજીંગ ડિરેક્ટર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.  જેમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું બીજ નિગમ દ્વારા મુખ્ય પાકો જેવા કે ઘઉં, ડાંગર, મગફળી, હા.દિવેલા, સોયાબીન, ચણા, મગ, જીરૂ, બી.ટી કપાસ સહીતના કુલ 24 પાકોની અંદાજે 101 જાતોના બિયારણોનુ ઉત્પાદન કરવામાં આવે છે. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત નોટીફાઇડ જાતોના બિયારણોનું રાજય બીજ નિગમ દ્વારા મલ્ટીપ્લેકશન કરી પ્રમાણિત બિયારણ ખેડૂતોને વ્યાજબી ભાવે પુરૂ પાડવામાં આવે છે .

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજ નિગમનો હેતુ સિદ્ધ થાય તે મુજબ વ્યાજબી ભાવે, ગુણવતા યુક્ત, સમયસર, પુરતું બીજ ઉત્પાદિત કરી વિતરણ કરવામાં આવે છે. જેથી, બીજ નિગમ વ્યાજબી ભાવે પુરતું બીજ પુરું પાડી ભાવ નિયંત્રણ કરવાની ભુમિકા પણ ભજવે છે. રાજ્યના ખેડુતોને ગુણવત્તા યુક્ત સર્ટીફાઇડ બિયારણોનો વધુમાં વધુ જથ્થો બીજ નિગમ દ્વારા ઉપલબ્ધ કરાવવા બીજ નિગમ મારફત લેવાતા બીજ ઉત્પાદન કાર્યક્રમનો વિસ્તાર વધારવા સંબંધિતોને સૂચના આપી છે.

તેમણે કહ્યું હતું કે રાજ્ય બીજ નિગમ દ્વારા હાથ ધરવામાં આવેલ જુદા જુદા પાક/જાતોના બીજ ઉત્પાદન કાર્યક્રમમાંથી ઉત્પાદીત થયેલા  કુલ 1,07,770  ક્વિ. ગુણવત્તા યુક્ત બીજ જથ્થા જથ્થાનું બીયારણ ખરીફ-2023માં રાજ્યના ખેડૂતોને  વિતરણ / વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મગફળી (ડોડવા), મગફળી (દાણા), ડાંગર, મગ, અડદ, સોયાબીન, તુવેર, હા. દિવેલા, હા. કપાસ, મકાઇ, બાજરા, તલ, ઘાસચારા પાકોની જાતવાર ઉપલબ્ધ જથ્થા અંગે મંત્રી  દ્વારા બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે  71986  ક્વિ. મગફળી, 15062   ક્વિ. ડાંગર,  8328  ક્વિ. સોયાબીન, 9058  ક્વિ. હા.દિવેલા તેમજ 8000  ક્વિ. કઠોળ પાકોના બિયારણનો જથ્થો ખરીફ-23માં રાજયના ખેડૂતોને વેચાણ-વિતરણ કરવા તૈયાર કરવામાં આવશે.

મગફળી પાકમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ મળી રહે તેનું આગોતરૂ આયોજન કરવું તેમ  જણાવી મંત્રી એ કહ્યું હતું કે, મગફળી પાકમાં નવી નવી જાતોના વાવેતર કરવા માટે ખેડૂતોની ડીમાન્ડને ધ્યાને લઇ, આગામી વર્ષમાં 10 થી 15 % જેટલો વધુ બીજ જથ્થો ઉત્પાદિત થાય તે મુજબ આયોજન કરવામાં આવશે.  વધુમાં બિયારણનો જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે મુજબ ત્રણ વર્ષનું આગોતરૂ આયોજન કરી સમયમર્યાદામાં બિયારણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code