ભાવનગરઃ શાળાઓમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. આમ તો વિધિવત ઉનાળું વેકેશનનો પ્રારંભ 1લી મેને સોમવારથી થશે. પરંતુ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓમાં વેકેશનનો માહોલ છે.નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓ પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુક્સ, અને જરૂરી સ્ટેશનરીની ખરીદી કરતા હોય છે. ત્યારે ઘણી શાળાઓના સંચાલકો પોતાના શાળાના કેમ્પસમાં પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુક્સ અને સ્ટેશનરીનું વેચાણ કરતા હોય છે. એટલું જ નહીં શાળાના શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ખરીદી માટેનો આગ્રહ કરતા હોય છે. જેના લીધે પાઠ્ય-પુસ્તકો, સ્ટેશનરીનું વેચાણ કરનારા નાના વેપારીઓનો ધંધો ભાંગી પડે છે. આથી ભાવનગરના બુક સ્ટોર્સ અને સ્ટેશનરીના વેપારીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરીને આવેદનપત્ર પાઠવીને સ્કુલ કેમ્પસમાં પાઠ્ય-પુસ્તકો, સ્ટેશનરીના વેચાણ સામે રોક લગાવવા વિનંતી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલાં વેપારીઓ અને ઉદ્યોગકારોના એસોસીયેશન દ્વારા શાળામાં થતાં સ્ટેશનરીના વેચાણને અટકાવવાં માટે એસોસિયેશન વતી જિલ્લા શિક્ષણાધિકારીને ગત વર્ષે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેનો સાનુકૂળ પ્રતિસાદ મળતા નાના-મોટા વેપારીઓને આ નિર્ણય મદદરૂપ થયો હતો. અને વેપારમાં તેજી જોવા મળી હતી. ત્યારે આ વર્ષે પણ આ નિયમોનું ચૂસ્ત પાલન થાય અને શાળા સંકુલની અંદર સ્ટેશનરીનું વેચાણ ન થાય તે માટેના નિયમનો કડકાઇથી અમલ કરવા માટે ભાવનગર જિલ્લા સ્ટેશનરી એસો. દ્વારા જિલ્લા શિક્ષણાઘિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરની જે-તે શાળાઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાંથી જ સ્ટેશનરી ખરીદવાં ફરજ પાડવામાં આવતી હતી. જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતરમાં મોંઘી પડે છે. આ ઉપરાંત સ્ટેશનરીના વેપારીઓને નુકશાન જાય છે. વેપારીઓની રોજી- રોટી તેનાથી છીનવાતી હતી. ગત વર્ષે સ્ટેશનરી એસો.ના આવેદન બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કેમ્પસમાં સ્ટેશનરીના વેચાણ માટે મનાઇ ફરમાવી હતી. આ વર્ષે પણ એનો અમલ કરાશે એવી વેપારીઓને આશા છે.