જંત્રીના દરોમાં બમણા વધારાથી રિઅલ એસ્ટેટ સેકટરને અસર, પ્રોજેક્ટ કોસ્ટ 20 ટકા વધી ગઈ
ગાંધીનગરઃ ગુજરાત સરકારે 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકતા તેની રિયલ એસ્ટેટ સેક્ટરને માઠી અસર પડી છે. કોરોના પછી માંડ બેઠા થયેલા આ સેક્ટરને હવે જંત્રી વધારાને કારણે બીજો માર પડ્યો છે. નવી જંત્રી અમલમાં આવ્યા બાદ હાલ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં નવા ડેવલપમેન્ટ માટે થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરાંત નવી જંત્રી જાહેર થઇ ત્યારથી જમીનોના નવા સોદા ઠપ્પ થઇ ગયા છે. તેમજ અનેક જૂના સોદાઓ પણ રદ પણ કરવામાં આવ્યા છે. બીજી તરફ જંત્રી વધારાને કારણે રિઅલ એસ્ટેટના નવા પ્રોજેક્ટની કોસ્ટ 15થી 20 ટકા જેટલી વધવાની શક્યતાઓ છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત મહાનગરોમાં નવી સ્કીમોમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર રિઅલ એસ્ટેટના ક્ષેત્રે રાજ્યના મુખ્ય પાંચ શહેરોની હરોળમાં ઊભું છે અને અમદાવાદની પેટર્ન પર નવા વિસ્તારો વિકસી રહ્યા છે, ત્યારે જંત્રીમાં વધારાને કારણે હાલ શહેરના રિયલ એસ્ટેટના સેક્ટરને નોંધપાત્ર અસર થઇ છે. ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે જંત્રીના દર વધવાને કારણે ડેવલપરને ત્રણ પ્રકારે અસર પડશે. જે મુજબ પેઇડ એફએસઆઇ જંત્રી આધારિત હોવાથી તે વધશે, બિનખેતી પ્રીમિયમમાં વધારો થશે અને ત્રીજી અસર એ થશે કે જમીનના દસ્તાવેજ વખતે સ્ટેમ્પ ડ્યૂટી પણ વધશે. બીજીતરફ રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટની કોસ્ટ વધવાને કારણે નાગરિકો પર બમણી અસર પડશે. કારણ કે પ્રોજેક્ટ કોસ્ટ વધતા યુનિટ કોસ્ટ એટલે કે રહેણાંક ફ્લેટ અથવા કોમર્શિયલ દુકાન કે ઓફિસના હાલના બજાર ભાવમાં પણ વધારો થશે. બીજીતરફ જંત્રી બમણી થવાથી હાલ કરતા બમણી સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરવી પડશે.
રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ જંત્રી જાહેર થયા બાદ મોટેભાગે જમીનોના સોદા ઠપ થઇ ગયા છે. ડેવલપર્સ હવે ખેતીની જમીન ખરીદવાના બદલે ટીપી વિસ્તારોમાં આવેલા પ્લોટની ખરીદી વધુ પસંદ કરી રહ્યા છે. જોકે, હાલમાં આ ખરીદી પણ ઘણી ઓછી છે. બિલ્ડર્સનું કહેવું છે કે જંત્રીના દરોમાં વધારો ભલે કરાય પણ 12 વર્ષે બમણા દર લાગુ કરવાને બદલે દર બે કે ત્રણ વર્ષે રીવ્યું કરીને તે પ્રમાણે વધારો કરવો જોઇએ જેથી રિઅલ એસ્ટેટ સેક્ટરને માઠી અસર ન પડે. ગાંધીનગરમાં રહેણાક અને કોમર્શિયલ યુનિટમાં પુરતી લોન મળતી નહીં હોવાથી જંત્રીથી વધુ કિંમતના દસ્તાવેજો કરવામાં આવી રહ્યા છે.
ક્રેડાઈના એક પદાધિકારીએ જમાવ્યું હતું કે, જંત્રીમાં વધારો થવાને કારણે નવા પ્રોજેક્ટમાં કોસ્ટ વધશે એ નક્કી છે. જેથી જમીનની ખરીદીથી લઇને કન્સ્ટ્રક્શન અને છેલ્લે યુનિટના વેચાણ સુધીની પ્રક્રિયા સહિતની બાબતો અંગે હાલનો સમય ફિલ્ટરેશન સ્ટેજ જેવો છે. ગાંધીનગરમાં રીયલ એસ્ટેટ સેક્ટર જે રીતે ગતિ પકડી રહ્યું હતું એ ગતિ હાલ થોડી અવરોધાઇ છે એવું કહી શકાય. આ ઉપરાંત અમદાવાદ સહિત મહાનગરોના નવા પ્રોજેક્ટને પણ અસર પડી છે. (FILE PHOTO)