અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં આજે સાબરકાંઠાના વડાલી, અને ખેડબ્રહ્મા, તથા સુરેન્દ્રનગરના લખતર, જામનગરના કાલાવડ તેમજ લાલપુરમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે કચ્છના રતનાલમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં ભારે પવન સાથે કરાનો વરસાદ પડ્યો હતો. સાથે જ માધાપર, કોટડા, નાડાપા ધાણેટી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી માવઠાનો માહોલ છવાયો છે. જેના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. આજે પાટણમાં વીજળી પડવાના કારણે રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરી હતી. છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. અને ચોમાસાની જેમ વરસાદ ખાબક્યો હતો. સાથે જ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. ધાનરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બાપલા, કુંડી, વાછોલ, માંડલમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. ગાજવીજ સાથે ઝાપટાં પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સરસીયા,ગોવિંદપુર,ફાસરીયા સહિત આસપાસના ગામડામાં વરસાદ પડી રહ્યો છે. તો ખાંભાના અનિડા, સમઢીયાળા સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા. માવઠાના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ખાસ કરીને કેરીનો પાક તૈયાર થવાની તૈયારીમાં છે ત્યારે જ માવઠું થતા કેરી પકવતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પડવાની શક્યતા છે. અને આગામી બે દિવસ સુધી તેની અસર રહેશે. આ પછી ત્રીજા દિવસથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે પણ ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે.રાજ્યમાં આગામી ત્રણ દિવસ અલગ-અલગ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં સામાન્ય વરસાદની આગાહી છે, હળવાથી સામાન્ય છૂટોછવાયો વરસાદ થવાની આગાહી છે,