ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશાઃ ડો. જિતેન્દ્રસિંહ
નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેક્નોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી અને અણુ ઊર્જા અને અવકાશ માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જીતેન્દ્ર સિંહે લંડનના 175 વર્ષ જૂના સાયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. દરમિયાન કહ્યું હતું કે, ભારતીય વેક્સિન બજાર વર્ષ 2025 સુધીમાં રૂ. 252 અરબ સુધી પહોંચવાની આશા છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમો સ્થાપવાનો વિચાર સામાન્ય નાગરિકો, ખાસ કરીને યુવાનોને તેમની છુપાયેલી ક્ષમતાઓને શોધવામાં મદદ કરવાનો છે અને કેટલીકવાર તેમની અંતર્ગત કૌશલ્યો પણ શોધી શકે છે, જેના વિશે તેઓ પોતાને પણ જાણતા નથી. આ મ્યુઝિયમો જિજ્ઞાસાની ભાવના પેદા કરે છે, તે તેમના વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક નવીનતામાં મદદ કરે છે. સાયન્સ મ્યુઝિયમ લંડનના દક્ષિણ કેન્સિંગ્ટનમાં એક્ઝિબિશન રોડ પર આવેલું છે. તેની સ્થાપના 1857માં થઈ હતી.
ડૉ. જિતેન્દ્ર સિંહની મુલાકાત મુખ્યત્વે ઉર્જા ક્રાંતિ, રસીઓ અને અવકાશ ગેલેરી સંબંધિત ક્ષેત્રો પર કેન્દ્રિત હતી. આ સમય દરમિયાન મ્યુઝિયમનું સંચાલન ભારતની કોવિડ સફળતાની વાર્તાથી ખૂબ પ્રભાવિત થયું હતું. ડૉ. સિંહને કોવિડ રોગચાળાના ઈતિહાસનું નિરૂપણ કરવા માટે બનાવેલ એક ખાસ પેવેલિયન બતાવવામાં આવ્યો હતો. અહીં કોવિડ રસી લેવા આવેલા પ્રથમ વ્યક્તિ પાસેથી જાગૃતિ અભિયાનની યાત્રા ક્રમમાં બતાવવામાં આવી છે. કોવિડ મેનેજમેન્ટ અને નિવારણમાં ભારતની અગ્રણી ભૂમિકાને પેવેલિયનમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
તેમણે બીજા પેવેલિયનની પણ મુલાકાત લીધી જેમાં ભારતીય ઉપખંડમાં પ્રચલિત ઉષ્ણકટિબંધીય રોગોને સમર્પિત પોલિયો નાબૂદી કાર્યક્રમ પર હિન્દીમાં લખેલા બેનરો દર્શાવવામાં આવ્યા હતા. ભારતની આગેવાની હેઠળના પોલિયો નાબૂદી અભિયાને આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં એક વિશિષ્ટ રોલ મોડેલ તરીકે સ્થાન મેળવ્યું છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની એક મુખ્ય બાયો-ઇકોનોમી તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઇનોવેશન અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેકગણો વિકાસ થયો છે. ભારતે માત્ર બે વર્ષમાં ચાર સ્વદેશી રસીઓ વિકસાવી છે.
તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયમાં બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ “મિશન કોવિડ સુરક્ષા” દ્વારા ચાર રસીઓનું વિતરણ કર્યું છે, કોવેક્સિનનું ઉત્પાદન ઝડપી બનાવ્યું છે અને ભાવિ રસીઓના સરળ વિકાસ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આપણો દેશ મહામારી સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વિશ્વ હવે નિવારક આરોગ્ય સંભાળમાં ભારતની ઉત્તમ ક્ષમતાઓથી વાકેફ થઈ રહ્યું છે અને અમે હવે આ શ્રેણીમાં ઘણી વધુ રસીઓ વિકસાવવાની પ્રક્રિયામાં છીએ. તાજેતરમાં, પ્રથમ ડીએનએ રસી પછી, પ્રથમ નાકની રસી પણ સફળતાપૂર્વક બનાવવામાં આવી છે. હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) સાથે સંબંધિત બીજી રસી પણ દેશમાં વિકસાવવામાં આવી છે, જેણે સર્વાઇકલ કેન્સરને રોકવામાં મદદ કરી છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય રસી બજારે વૈશ્વિક સ્તરે પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. ભારતનું વેક્સિન માર્કેટ 2025 સુધીમાં રૂ. 252 બિલિયનના મૂલ્ય સુધી પહોંચવાની અપેક્ષા છે. ડૉ જીતેન્દ્ર સિંહ યુકેની 6 દિવસની મુલાકાતે છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના ઉચ્ચ સ્તરીય સત્તાવાર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.