ભારતમાં સ્થાનિક કોલસા ઉત્પાદનમાં રેકોર્ડ વધારો, એપ્રિલમાં 73.02 મિલિયન ટન ઉત્પાદન
નવી દિલ્હીઃ ભારતે એપ્રિલ 2023 મહિના દરમિયાન સૌથી વધુ કોલસો લઈને કોલસા ઉત્પાદનના ક્ષેત્રમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે એપ્રિલ 2022 દરમિયાન 67.20 મિલિયન ટનની સરખામણીમાં 73.02 મિલિયન ટન (MT) કોલસાનું ઉત્પાદન કર્યું છે, જે 8.67% ની વૃદ્ધિ દર્શાવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) એ એપ્રિલ 2023 માં 57.57 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન નોંધાવ્યું હતું જે એપ્રિલ 2022 માં 53.47 મિલિયન ટન કોલસાની સરખામણીએ 7.67% ની વૃદ્ધિ દર્શાવે છે.
કોલસા મંત્રાલયે તેના નિયંત્રણ હેઠળના કોલ બ્લોક્સની ખાણકામ ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને બજારમાં વધારાનો કોલસો મુકવાનો માર્ગ મોકળો થયો છે અને તેથી જ એપ્રિલ 2022માં 8.41 મિલિયન ટનના ઉત્પાદન સામે એપ્રિલ 2023માં કોલસાનું ઉત્પાદન 17.52% વધીને 9.88 મિલિયન ટન (કામચલાઉ આંકડા) થયું હોવાનું જાણવા મળે છે.
કોલસાની કુલ રવાનગી એપ્રિલ 2022 દરમિયાન 71.99 મિલિયન ટનની સરખામણીએ વર્ષ 2023માં 11.76% વધીને 80.45 મિલિયન ટન થઈ છે. કોલસા મંત્રાલય દ્વારા પીએમ ગતિ શક્તિ હેઠળ તમામ મુખ્ય ખાણોમાં રેલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરાયેલા વધારાને પગલે ઉત્પાદનમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે.
કોલસા મંત્રાલયે કોલસાની ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશ્ય સાથે હરાજીના 7મા રાઉન્ડ હેઠળ 103 કોલસા/લિગ્નાઈટ બ્લોક્સ ઓફર કર્યા છે અને 6ઠ્ઠા રાઉન્ડમાં હરાજી કરાયેલી ખાણો માટે 29 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કોલસાની 29 ખાણોની કુલ PRC વાર્ષિક 74 મિલિયન ટન છે. સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલના પરિણામે દેશની આયાતી કોલસા પરની નિર્ભરતા ઘટશે અને તેનાથી મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.