કર્ણાટક ઈલેક્શનને લઈને ચૂંટણી પંચની સૂચના , ચૂંટણી પ્રચાર વખતે ભાષાઓ પર રાખો સંયમ
- કર્ણાટકની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સૂચના આપી
- ભાષાઓ પર સંયમ રાખવા જાણાવાયું
- ચૂંટણીનો માહોલ ખરાબ ન કરવાની સલાહ
બેંગલુરુ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે નજીક આવી રહી છે બીજેપી, કોંગ્રેસ સહીતના પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસત છે ત્યારે ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન તમામ પક્ષોને ભાષા પર સંયમ જાળવવાની સૂચના આપી છે આ સહીત ચૂંટણીનો માહોલ ન બગડે તે બાબતનું ધ્યાન રાખવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને તેને જોતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. જેને લઈને હવે ચૂંટણી પંચ દ્રારા માર્ગદર્શિકા જારી કરાઈ છે જેમાં પાર્ટીઓને સૂચનો આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના ઘટી રહેલા સ્તરની ગંભીર નોંધ લેતા, ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો અને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદનો કરવામાં સંયમ રાખવા અને ચૂંટણીના વાતાવરણને ખરાબ ન કરવા માટે સલાહ આપી છે.
કમિશને તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન અગ્રણી રાજકારણીઓ, ખાસ કરીને સ્ટાર પ્રચારકો દ્વારા અયોગ્ય શબ્દભંડોળ અને ભાષાનો ઉપયોગ કરવાના કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું છે. જારી કરવામાં આવેલ માર્ગદર્શિકામાં એમ પણ કહેવાયું છે કે તમામ પક્ષો અને નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતા અને તેમના નિવેદનોને કાયદાકીય માળખાના દાયરામાં રાખીને અનુસરવું જરૂરી છે જેથી રાજકીય સંવાદની ગરિમા જાળવી શકાય અને ચૂંટણી વાતાવરણને બગાડી શકાય નહીં.