પાલનપુરઃ ગુજરાતમાં દ્વીચક્રી મોટરવાહનો માટે એટલે કે બાઈક અને સ્કુટરના ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં મોટાભાગના સ્કુટર કે બાઈકચાલકો હેલ્મેટ પહેરતા નથી. કાયદો વાહનચાલકોની સુરક્ષા માટેનો છે. પણ વાહનચાલકોમાં હજુ આ નિયમ પાળવા માટે જાગૃતતા નથી. ત્યારે બનાસકાંઠામાં પોલીસ દ્વારા હેલ્મેટ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ હેલ્મેટના નિયમોનું પાલન કરે તે માટે સરકારી કચેરીઓમાં બાઈક કે સ્કૂટર લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ વિના પ્રવેશ આપવામાં નહીં આવે એવો નિયમ બનાવવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જોરાવર પેલેસમાં આવતા સરકારી કર્મચારીઓને કલેકટર કચેરીમાં હેલ્મેટ વગર એન્ટ્રી નહીં મળે જેને લઇ પોલીસે આજે કર્મચારીઓને ગુલાબ આપીને સમજણ આપી હતી.શહેરના જોરાવર પેલેસ બહાર ગેટ પર આઇપીએસ, પીઆઈ,પી એસ આઇ સહિત પોલીસ કર્મીઓએ ઊભા રહીને કર્મચારીઓને હેલ્મેટ વગર અને સીટબેલ્ટ વગર આવતીકાલથી કોર્ટ કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત સહિતની તમામ કચેરીઓમાં એન્ટ્રી નહીં મળે એવી સુચના આપી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાલનપુર શહેરમાં સરકારી કર્મચારીઓ બાઈક તેમજ કાર ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય અને તેમનાથી આમ પ્રજાને પણ પ્રેરણા મળે તે માટે જોરાવર પેલેસમાં આવેલી સરકારી કચેરીઓમાં કર્મચારી બાઈક અને કાર ચલાવતા સમયે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજીયાત ઉપયોગ કરતા થાય તે માટે બનાસકાંઠા પોલીસ દ્વારા જોરાવર પેલેસ આગળ સરકારી કર્મચારી માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જોરાવર પેલેસમાં આવેલ વિવિધ કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓને આવતીકાલથી વાહન હંકારતી વખતે ફરજીયાત હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા ગુલાબના ફૂલ સાથે સૂચનાઓ આપી હતી અને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનો ઉપયોગ વગર વાહન લઇ આવતા કર્મચારીને જોરાવર પેલેસમાં પ્રવેશ નહિ આપવાની તાકીદ કરાઈ હતી.