અમદાવાદઃ રાજ્યમાં તમામ આરટીઓ કચેરીમાં વાહનોની આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરેમાં અરજદારોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે. જેમાં કોન્ટ્રાકટરની લાપરવાહીને કારણે લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે અરજદારોને આરસી બુક માટે રાહ જોવી નહીં પડે કારણ કે કોન્ટ્રાક્ટ નવી કંપનીને આપવામાં આવ્યો છે. જેથી હવે શહેરી વિસ્તારોમાં વાહન માલિકના ઘરે પાંચ દિવસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સાત દિવસે આર.સી. બુક પહોંચી જાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાહનવ્યવહાર વિભાગે વાહનની આરસીબુકનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં કરીને નવી કલર પ્લાસ્ટ કંપનીને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. નવી કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાતા નવા-જૂના વાહનની આરસીબુક એક મહિનાના બદલે માત્ર ત્રણ દિવસમાં ડિસ્પેચ થઈ જાય છે. ત્રણ દિવસમાં ડિસ્પેચ થાય નહીં તો કંપની પાસે ખુલાસો માગવામાં આવે છે અને જો ખુલાસો સંતોષકારક ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોવાનો વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે. પેનલ્ટી સિસ્ટમને લીધે અમદાવાદના શહેરી વિસ્તારોમાં વાહન માલિકના ઘરે પાંચ દિવસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સાત દિવસે આર.સી. બુક પહોંચી જાય છે. અમદાવાદમાં રોજની 1300 સહિત રાજ્યમાં 34 હજારથી વધુ આરસીબુક તૈયાર થાય છે. હાલની કલર પ્લાસ્ટ કંપની સાથે આગામી પાંચ વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ કરાયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 38 આરટીઓમાં નવા વાહન સહિત જૂનાં વાહન ટ્રાન્સફર, લોન કેન્સલ, લોન દાખલ, નામ બદલી, ખાનગીમાંથી કોમર્શિયલ વાહનમાં તબદીલ કરવાની રોજની અંદાજે 34 હજારથી વધુ અરજીઓ આવે છે. અરજીના આધારે રોજબરોજ આર.સી.બુક તૈયાર કરવાની કામગીરી થાય છે. બુક તૈયાર થયા બાદ કે.એમ.એસ.ની પ્રક્રિયા કરી ડિસ્પેચ કરવી દેવાની હોય છે. જાહેર રજા સિવાયના દિવસોમાં શહેરી વિસ્તારના વાહન માલિકોને પાંચ દિવસમાં અને ગ્રામ્ય વિસ્તારના વાહન માલિકોને સાત દિવસમાં બુક મળી જાય છે. તત્કાલિન કંપનીનો કોન્ટ્રાક્ટ હતો ત્યારે લોકોને બેથી ત્રણ મહિને આર.સી.બુક મળતી હતી. આ પછી કંપનીના અધિકારીઓ ઉધડો લેતા મહિને આર.સી.બુક મળતી થઇ ગઇ હતી. પરંતુ હવે સરકારે નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપતા સમગ્ર રાજ્યમાં લોકોને પાંચથી સાત દિવસમાં આર.સી.બુક મળી જશે. આર.સી.બુક ડિસ્પેચના ડેટા સાથે પોસ્ટ વિભાગના ડેટા મેચ થાય નહીં તો કંપની પાસે પેનલ્ટી વસુલવામાં આવશે. કંપની પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. લોકોની ફરિયાદો આવશે તો પણ ક્રોસ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ કંપની પાસેથી પેનલ્ટી વસુલ કરવામાં આવશે. અગાઉ પેનલ્ટીની જોગવાઈ નહીં હોવાને લીધે કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની પોતાની રીતે કામગીરી કરતી હતી અને લોકોને આરસી બુક મળવામાં લાંબો સમય નીકળી જતો હતો.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વાહન ડિલરો અને આરટીઓ કચેરી તરફથી મળતા ડેટાના આધારે કંપની આર.સી.બુક તૈયાર કરે છે. જેથી કંપની તરફથી ભૂલ થવાની શક્યતા નહિવત છે. હાલ ડિલરોના ડેટામાં ભૂલ હોય તો સુધારા-વધારાનો ખર્ચ ડિલર જ ભોગવે છે. હવે પેનલ્ટીની જોગવાઈને લીધે લોકોને આરસી બુક ઝડપથી મળતી થઈ જશે.