અમદાવાદઃ કરજણ જળાશય આધારિત નેત્રંગ વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના પ્રગતિ હેઠળના કામનું ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ જાત નિરિક્ષણ કર્યું હતું. અંદાજિત રૂપિયા 229 કરોડની આ યોજનાના નિર્માણથી ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તાર નેત્રંગ-વાલિયા તાલુકાના કુલ 136 ગામોને પાણીની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવાશે.
નર્મદા જિલ્લાના પ્રવાસે આવેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લાના કરજણ સિંચાઇ યોજનાના ડેમ આધારીત નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે બની રહેલી ઇન્ટેકવેલની કામગીરીનું સ્થળ પર પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું. મંત્રીની આ મુલાકાત દરમિયાન ગુજરાત પાણી પુરવઠા વિભાગ સુરત સર્કલ કચેરીના અધિક્ષક ઈજનેર શશી વાઘેલાએ યોજનાની નકશા નિદર્શન થકી સમગ્ર પ્રોજેક્ટ અંગે ઉંડાણ પૂર્વકની વિગતો આપી હતી.
ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રીશ્રી બાવળીયાએ સંપૂર્ણ કામગીરીની જાતમાહિતી મેળવીને આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે અધિકારીશ્રીઓને કેટલાંક રચનાત્મક સુચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મંત્રી બાવળીયાએ આ પ્રસંગે સંબંધિત વિસ્તારના ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારની કાર્યપદ્ધતિને પ્રજાહિતમાં ગણાવતા કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા લોકોને ઉત્તમ સુવિધાઓ આપવાના ઉમદા આશય સાથે જ અનેક યોજનાઓને અમલી બનાવે છે. જેથી આગામી બે મહિનામાં આ કામગીરી પૂર્ણ કરી યોજના કાર્યાન્વિત કરવા અને લોકોને પાણીની સુવિધા ઝડપભેર ઉપલબ્ધ કરાવવા અધિકારીશ્રીઓને હિમાયત કરી હતી.
નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે નિર્માણાધિન ઇન્ટેકવેલ થકી પાણી પુરવઠો પપીંગ કરીને મોવી બુસ્ટીંગ પોઇટ પર લઈ જવાશે. ત્યાંથી મુખ્ય હેડ વર્કસ નેત્રંગ તાલુકાના ડેબાર ગામ પાસે બનાવી 35 એમ.એલ.ડી.ના ફિલ્ટર પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરીને નેત્રંગ-વાલીયા યોજનાના ત્રણ (3) પેકેજોમાં બનાવવામાં આવેલા જુદા જુદા 16 સબ હેડ વર્કસ ખાતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. તેમજ સબ હેડ વર્કસ પર આવેલી ઉંચી ટાંકી મારફતે જુદા જુદા ગામો અને પરાઓમાં પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો ગામના ભુગર્ભ સંપ સુધી પહોંચાડવામાં આવશે. જે પાણી પુરવઠો ગ્રામપંચાયતો દ્વારા ગામલોકો સુધી પહોંચાડવામાં આવશે. જે યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.
હાલ પ્રગતિ હેઠળની આ યોજના પાછળ રૂપિયા 229 કરોડનો અંદાજિત ખર્ચ થશે. આ યોજના હેઠળ ભરૂચ જીલ્લાના આદિજાતી (ટ્રાયબલ) વિસ્તારના નેત્રંગ તાલુકાના 76 ગામો અને 37 ફળીયા તથા વાલીયા તાલુકાના 60 ગામો અને 34 પરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરી પુર્ણ થયેથી નેત્રંગ અને વાલીયા શહેરોને 140 લીટર/વ્યક્તિ/દિન મુજબ તથા નેત્રંગ અને વાલીયા તાલુકાના તમામ ગામો/ફળીયાને 100 લીટર/વ્યક્તિ/દિન મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે.