અમદાવાદઃ ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક વધતી જાય છે. કોરોનાકાળ બાદ જીએસટીની આવકમાં સતત વધારો થયો છે. પરંતુ સરકારના અપેક્ષાકૃત આંકડાથી આવકના આંકડા ખૂબ ઓછા હોય તમામ પ્રકારની કરચોરી ડામી દેવા આદેશો અપાયા છે. જેમાં કરચોરી બચાવવા બોગસ પેઢીઓ તેમજ ધંધાના સ્થળે સર્ચ કરવામાં આવશે. એટલે વેપારીઓ આવક છૂપાવી શકશે નહીં. ગ્રાહકોને બિલ આપવામાં આવે છે. કે કેમ તેની પણ તપાસ કરાશે. આગામી બે મહિના સુધી જીએસટી વિભાગના કર્મચારીઓ ધંધાના સ્થળની મુલાકાત લેશે, અને દસ્તાવેજોની ચકાસણી કરશે. તેમાં જો કશું ખોટું જણાશે, તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, સમગ્ર દેશમાં બોગસ બિલિંગ અને બોગસ પેઢીઓની નોંધણી સામે એક નવી ઝુંબેશ આગામી બે માસ સુધી લગલગાટ ચલાવવામાં આવશે.. આ ઝુંબેશ અંતર્ગત જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ વ્યવસાયના સ્થળની મુલાકાત લેશે, અને આવશ્યક દસ્તાવેજોની ચકાસણી કરશે. આ અંગે જીએસટીના અધિકારીઓના કહેવા મુજબ જે વેપારીઓના વ્યવસાય સાચા અને ચોખ્ખા છે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સ્થળ ચકાસણી માટે આવતા કર્મચારીઓ અને અધિકારીઓની જરૂરીયાત મુજબના ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીએસટીના અધિકારીઓની સ્થળ ચકાસણીમાં વેપારીઓ ડોક્યુમેન્ટ નહીં બતાવે, અને ધંધાના સ્થળનો નકારાત્મક રિપોર્ટ હોય તેવા વેપારીઓના જીએસટી નંબર રદ્દ તંત્ર કરી શકે છે, વેરાશાખ બ્લોક કરી શકે છે, સ્થળ ચકાસણીમાં વેપારીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હશે તો કાયદેસરની કાનૂની પ્રક્રિયા પણ જીએસટી તંત્ર દ્વારા કરવામાં આવી શકે છે. તંત્ર દ્વારા વેપારીઓ-ધંધાર્થીઓને કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. જેમાં જીએસટી નોંધણી પ્રમાણપત્રની નકલ ધંધાના સ્થળે રાખવી પડશે, પેઢી નામ, સરનામું અને જીએસટી નંબર સાથેનું બોર્ડ ધંધાના સ્થળે લગાવવું પડશે .તેમજ પેઢી નોંધણી સમયે આપેલા તમામ દસ્તાવેજ જેવા કે, વીજબિલ, જગ્યાની વેરા પહોંચ, જગ્યા ભાડે રાખી હોય તો રીન્યુ કરાવેલો ભાડા કરાર રહેઠાણની જગ્યાએ નોંધણી નંબર હોય, તો દરવાજા પર વિગતવાર બોર્ડ મુકવું પડશે. તથા ધંધાનું સ્થળ બદલાયુ હોય તો દસ્તાવેજ આપી પોર્ટલ પર અપડેટ કરી જીએસટીને લેખિત જાણ કરવી, અને જીએસટી કર્મચારીઓની ચકાસણી માટે ખરીદ-વેચાણના બિલો, હિસાબી સાહિત્ય સ્થળ પર રાખવા જણાવાયું છે.