પાલનપુરઃ જિલ્લાના વાવ તાલુકામાં હાલ મનરેગા યોજના હેઠળ કામો ચાલી રહ્યા છે. જેમાં છેલ્લા એક માસથી શ્રમિકોને મજુરીના નાણાં મળ્યા નથી જેને લઇને શ્રમિક પરિવારોની હાલત કફોડી બની છે. દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી શ્રમિકોના નાણાં સત્વરે ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં મનરેગા યોજનાના કામો ચાલી રહ્યા છે. જેમાં તાલુકાના મીઠા વિચારણ, રાઘા નેસડા, કારેલી અરજણપૂરા સહિતના ગામોમાં આડબંધના કામો ચાલી રહ્યા છે. જેમાં અંદાજે 1500 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમને એક માસ પૂરો થયો છતાં હજીસુધી નાણાં મળ્યા નથી. જેને લઈને તેમની હાલત કફોડી બની છે. આ અંગે દૈયપ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા જિલ્લા અધિકારીને લેખિત રજૂઆત કરી મીઠાવી ચારણ ગામના શ્રમિકોને મનરેગામાં કરેલા કામોના નાણાં સત્વરે આપવા માંગ કરી હતી. કહેવાય છે. કે અધિકારીઓ અને કર્મચારીઓની આળસને કારણે શ્રમિકોને કરેલા કામનું મહેનતાણુ મળ્યું નથી. તેથી શ્રમિકોના પરિવારોની હાલત કફોડી બની છે.
આ અંગે વાવ મનરેગાના કર્મચારીએ જણાવ્યું હતું કે, વાવ તાલુકામાં મીઠાવી ચારણ, અરજણપુરા, રાઘાનેસડા ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ તળાવ આડબંધની કામગીરી ચાલી રહી છે. તેમનું ચુકવણું કરવા માટે તાલુકા પંચાયત લેવલે મસ્ટર પૂર્ણ થતાં સમયસર ઓનલાઇન રિપોર્ટ કરવામાં આવેલો છે. ઓનલાઇન રિપોર્ટ જોતા તમામ પેમેન્ટ બેંક દ્વારા પ્રોસેસમાં પેન્ડિંગ બોલે છે. જે તરત જ અગ્રતા સાથે શ્રમિકના બેન્કના ખાતામાં જમા થઇ જશે.