આહવાઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાપુતારાના ભયજનક ગણાતા વળાંક પર પૂર ઝડપે આવતા વાહનો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. શિરડીથી અમદાવાદ આવી રહેલી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાંતા 38 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પરના વળાંકની પર સર્જાયો હતો. કહેવાય છે. કે ઢાળ ઊતરતા ખાનગી લકઝરી બસની બ્રેક ફેલ થઈ જતાં બસ પલટી ગઈ હતી. બસમાં સવાર 56માંથી 38 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાપુતારા નજીક ફોરેસ્ટ રેસ્ટ હાઉસના વળાંક પર અમદાવાદ જઈ રહેલી લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. દરમિયાન સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, દરમિયાન પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દોડી આવી હતી. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહતી. બસમાં 56 પ્રવાસીઓ હતા. જેમાં 38 પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી 13 ઇજાગ્રસ્તને સામગહાન, 20 ઇજાગ્રસ્તને આહવા સિવિલમાં અને 5 ઇજાગ્રસ્તને સુરત રિફર કરાયા છે. અમદાવાદના સાણંદથી નાસિક, શિરડી પ્રવાસેથી મુસાફરોને લઈને લકઝરી બસ પરત ફરી રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
રાજ્યમાં વધુ એક અકસ્માત ખેડાના નડિયાદ નજીક સર્જાયો હતો. નડિયાદના પીપળાદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. નશામાં ધૂત ડ્રાઈવરને ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો હોવાનું કહેવાય છે.