અમદાવાદઃ શાળા-કોલેજોમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે મોટાભાગના પરિવારો બાળકો સાથે બહારગામ ફરવા માટે જઈ રહ્યા છે. જેથી રાજ્યના તમામા પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરકાંઠાના પોળના જંગલો, તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સફારી પાર્ક, ઉપરાંત સોમનાથ, દ્વારકા, શિવરાજપુર બીચ, તેમજ કચ્છના પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
ગીરના સફારી પાર્ક સહિતના વિસ્તારોમાં ઉનાળું વેકેશનના કારણે પ્રવાસીઓ ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. સફારી પાર્કમાં ગત સપ્તાહની સરખામણીમાં 25 ટકા ટ્રાફિકમાં વધારો થયો છે. સાથેસાથે કુદરતી સૌંદર્ય માણવા માટે તુલસીશ્યામ સહિતના ગીર વિસ્તારના ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. ધારીમાં આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડિયાર ઉપરાંત ગીર વિસ્તારમા તુલસીશ્યામ, હનુમાન ગાળા સહિતના ધાર્મિક સ્થળો આવેલા છે. જ્યાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ઉપરાંત ગીર કાંઠે ધીમે ધીમે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. સફારી પાર્કની નજીક આવેલા ગળધરા ખોડિયાર માતાજીના મંદિરની પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ધારીના આંબરડી સફારી પાર્કમાં 26 એપ્રીલથી 1મે સુધીમાં 606 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા. તો 3 મેથી 8 મે સુધીમાં પાર્કમાં 25 ટકા પ્રવાસીઓ વધ્યા હતા. દરમિયાન 763 પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધી હતી. ઉપરાંત ગીર જંગલની આસપાસ મંદિરો, આશ્રમોમા પણ ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓને પગલે હોટલ અને ગેસ્ટ હાઉસમાં તો ભીડ જોવા મળે છે. તો સાથે સાથે નાના ધંધાર્થીઓને રોજીરોટી પ્રાપ્ત થઈ રહી છે.
ગીર મધ્યમા આવેલા તુલસીશ્યામ મંદિર ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અહી દરરોજ ત્રણ હજાર લોકો પ્રસાદનો લાભ લઇ રહ્યાં છે. અહી યાત્રિકોને રોકાવા માટે 100 રૂમ છે જે હાલ હાઉસફુલ છે. અહી ગરમ પાણીના કુંડમાં લોકો સ્નાન કરી રહ્યાં છે. તો રૂક્ષ્મણીનો ડુંગર પણ ચડી દર્શનનો લાભ લઇ રહ્યાં છે.
ધારી ગીર પૂર્વના મદદનીશ વન સંરક્ષક એસ.આર.ત્રિવેદીએ જણાવ્યું હતું કે જંગલમા કોઇ ગેરકાયદે સિંહ દર્શન ન કરે તે માટે સ્ટાફ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામા આવી રહ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સમજણ આપવામાં આવી રહી છે.