મહીનદીના સિંધરોટ ચેક ડેમમાં ડૂબી જતાં બે મિત્રોના મોત, પરિવારે એકના એક પુત્રોને ગુમાવ્યા,
વડોદરાઃ રાજ્યભરમાં અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે ઘણા શહેરીજનો ઠંડક મેળવવા માટે સ્વિંમિંગ પુલમાં નાહવા માટે જતાં હોય છે. તો કેટલાક લોકો તળાવ કે નદીમાં ભરાયેલી પાણીમાં ઢુબાકા મારીને ઠંડક મેળવતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો વડોદરા નજીક મહી નદી પરના સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. જેમાં એક સગીર અને એક યુવક ડૂબી જવાથી બન્નેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ અને ફોયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ બન્ને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ડૂબી જવાથી મોતને ભેટેલા બંને પરિવારના એકના એક પુત્રો હતા. આ બનાવથી આ વિસ્તારમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગામના પાંચ મિત્રો સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.19), સોહન પ્રવિણભાઇ રોહિત (ઉં.વ.17), વિશાલ ગિરીશભાઇ પરમાર (ઉં.વ. 19), અક્ષત અશોકભાઇ રોહિત (ઉં.વ. 11) અને કેતન બપોરેના ટાણે વડોદરા નજીક સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. ચેકડેમ ખાતે આવી પહોંચેલા પાંચેય મિત્રોએ નદી કિનારે પોતાની પિકનિક બેગ મૂકીને નાહવા માટે ગયા હતા. જેમાં સાગર હસમુખભાઇ રોહિત (ઉં.વ.19) અને સોહન પ્રવીણભાઇ રોહિત (ઉં.વ.17)નું ચેક ડેમની પાછળના ભાગમાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢી તાલુકા પોલીસને સોંપ્યા હતા. તાલુકા પોલીસે બંનેના મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં બન્ને મૃતક યુવાનો પરિવારના એકના એક પૂત્ર હતી. બન્નેના મોતથી તેમના પરિવારોમાં ભારે શોક વ્યાપી ગયો હતો.
આ બનાવ અંગે વિશાલ ગિરીશભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમે પાંચ મિત્રો બપોરેના ટાણે સિંધરોટ ચેકડેમ ખાતે પિકનિક મનાવવા સાથે નાહવા માટે આવ્યા હતા. નદી કિનારે અમારી બેગો મૂકીને અમો સાથે નાહવા ગયા હતા. બપોરના 2.30 વાગ્યાના સુમારે મને અને કેતનને ભૂખ લાગતા અમો નાસ્તો કરવા માટે ગયા હતા. અમે નાસ્તો કરવા માટે જઇ રહ્યા હતા. તે સમયે સોહન, સાગર અને અક્ષતને પણ નાસ્તો કરવા માટે સાથે આવવા જણાવ્યું હતું, પરંતુ ત્રણ પૈકી કોઇ અમારી સાથે આવ્યું ન હતું. દરમિયાન અક્ષત પાછળથી અમારી સાથે નાસ્તો કરવા માટે આવવા તૈયાર થઇ ગયો હતો. જ્યારે સાગર અને સોહન બંને નાહવા માટે ચેક ડેમ ઉપર રોકાયા હતા. અમે નાસ્તો કરીને પરત ફર્યા ત્યારે સોહન અને સાગર દેખાયા ન હતા. જેથી અમે ક્યાંક ગયા હશે તેવું સમજી અને તપાસ કરી ન હતી. જે બાદ એક કલાક જેટલો સમય થવા છતાં, તેઓ ન દેખાતા તપાસ કરી, પરંતુ મળી આવ્યા ન હતા. આથી અક્ષતને પૂછતા તેણે જણાવ્યું હતું કે, સોહન અને સાગર ચેક ડેમના પાછળના ભાગે કૂદકા મારી નાહી રહ્યા હતા. અમે બંને મિત્રો સોહન અને સાગરની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સોહનનો મૃતદેહ દેખાઇ આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ સોહનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તે બાદ સાગરનો મૃતદેહ દેખાઇ આવતા સ્થાનિક તરવૈયાઓએ તેનો મૃતદેહ પણ બહાર કાઢ્યો હતો. બંનેના મૃતદેહ બહાર કાઢ્યા બાદ આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને બંનેના મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.