અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધારો આકરો બન્યો છે, તેમજ હિટવેવની આગાહી વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એટલું જ જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો.
હવામાન વિભાગે આજે પણ હિટવેવની સ્થિતિ જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રિજીયન, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ હિટવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકુ રહેશે તેમ જ વરસાદની કોઇ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જ્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ હિટવેવની સ્થિતિમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમજ જરૂર જણાય તો જ બહાર નિકળવાનુ સૂચન કર્યુ છે. ગઇકાલે દિવસ દરમિયાન હિટવેવની સ્થિતિ સર્જાઇ હતી. રાજ્યભરના જૂનાગઢ અને અમરેલીમાં પારો 44 ડિગ્રીને પાર રહ્યો હતો જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના 10 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર રહ્યુ હતું. આ ઉપરાંત સુરત, ભાવનગર અને નર્મદા સહિત 4 સ્થળોએ તાપમાનનો પારો 42 ડિગ્રી જેટલો રહ્યો હતો.
અમદાવાદ શહેરમાં ઉનાળો વધારો આકરો બન્યો છે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમીને શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ શહેરીજનોને બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત મનપા દ્વારા બીઆરટીએસ બસ સ્ટેશન ખાતે ઓઆરએસનું વિતરણ કરવામાં આવી છે તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.