ગાંધીધામ : કચ્છને લાંબા અંતરની ટ્રેન સેવાનો લાભ મળી રહ્યો છે. હાલ ઉનાળું વેકેશન હોવાથી અનેક ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જેમાં લાંબા સમય પૂર્વે બંધ થયેલી કચ્છથી અમદાવાદ વચ્ચેની ઈન્ટરસિટી એકસપ્રેસનો સમાવેશ થાય છે. પરંતુ ભૂજ-સાબરમતી વચ્ચે દોડતી આ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યાની ટકાવારી સાવ જ ઓછી છે, ત્યારે’ કચ્છને’ લાંબા સમય બાદ મળેલી આ સુવિધા છીનવાય તેવી દહેશત સર્જાઈ છે. ટ્રેનના એસી કોચમાં પણ ઓછી ટિકિટ બુક થાય છે.આમ પુરતો ટ્રાફિક મળતો ન હોવાથી ઉનાળાના વેકેશન બાદ ફરીવાર ટ્રેન બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ રેલવે દ્વારા ગાંધીધામ-અમદાવાદ ઈન્ટરસિટી, ગાંધીધામ-અમૃતસર અને ગાંધીધામ- દહેરાદુન એમ ત્રણ ટ્રેનની દરખાસ્ત કરવામાં આવી હતી. જે પૈકી’ ગાંધીધામ-અમદાવાદના બદલે રેલવે દ્વારા ભુજ -સાબરમતી (એસ.બી.ટી.) ઈન્ટરસિટી શરૂ કરવામાં આવી છે અને વેકેશન સ્પેશ્યલ ટ્રેનની શ્રેણીમાં 92 ફેરા દોડાવવામાં આવે છે. શરૂઆતમાં આ ટ્રેનમાં એસી કોચ જોડવામાં આવ્યો ન હતો. પરંતુ લોકોની માંગને ધ્યાનમાં રાખીને એસી ચેર કાર પણ કોચ જોડવામાં આવ્યો છે. પરંતુ હાલ આ ટ્રેનમાં ભુજથી સાબરમતી જવામાં’ માત્ર 20 ટકા પ્રવાસીઓ મળે છે જયારે સાબરમતીથી ભુજ આવતી ટ્રેનમાં માત્ર’ 30 થી 40 ટકા જેટલા પ્રવાસીઓ મળે છે. હાલ રેલવે બોર્ડ દ્વારા બદલાવાયેલી નીતિ મુજબ જે વેકેશન સ્પેશ્યલ ટ્રેનમાં વધુ ટ્રાફિક મળે તો જ આગળ તેની ટ્રીપ વધારવામાં આવે છે. જેમાં ગાંધીધામથી તીરૂનલવેલી અને ગાંધીધામ ભાગલપુર ઉતર ભારત અને’ દક્ષિણ ભારતની આ બન્ને ટ્રેનો વેકેશન સ્પેશ્યલ ટ્રેન તરીકે શરૂ થઈ હતી. પરંતુ હાલ હવે રેગ્યુલર થઈ ગઈ છે.
સૂત્રોના કહેવા મુજબ ભુજ-અમદાવાદ સાબરમતી ટ્રેનની મળેલી સેવા છીનવાઈ જાય તેવી ભીતિ જાણકારો વ્યકત કરી રહ્યા છે. ભુજથી સંખ્યા ઓછી હોવાનું કારણ સમય અનુકૂળ ન હોવાનું કહેવાય છે. રેલવે દ્વારા વહેલી સવારે નીકળીને રાત્રે પરત આવી શકે તે હેતુથી આ ટ્રેન’ શરૂ કરવામાં આવી છે. પરંતુ સમય સારણીના અભાવે આ હેતુ સિધ્ધ નથી થતો યા તો અમદાવાદથી આવવામાં કે જવામાં બસનો ઉપયોગ કરવો પડે છે. પ્રવાસી વર્ગના જણાવ્યા પ્રમાણે આ ટ્રેન સવારે 10 વાગ્યે અમદાવાદ પહોંચે તો વેપારીઓને પુરતો સમય મળી શકે. અગાઉ ગાંધીધામથી ઈન્ટરસિટી’ દોડતી હતી તે રાત્રીના ચાલતી હતી. જે વહેલી સવારે પહોંચતી હતી અને અમદાવાદથી સાંજે 5 વાગ્યે રવાના થઈ રાત્રીના 10 વાગ્યે પરત ગાંધીધામ આવતી હતી. હાલ ભુજ કે ગાંધીધામથી અમદાવાદના ભાડાં મોંઘાં છે ત્યારે રેલવે’ સેવા સસ્તી અને આરામદાયક છે ત્યારે ભુજથી રાત્રીના જ ઈન્ટરસિટી દોડાવાય તેવી માંગ પ્રવાસીઓમાં પ્રબળ બની છે જેથી અમદાવાદમાં પૂરતો સમય મળી શકે. ગાંધીધામ વડોદરા ઈન્ટરસિટી બંધ થયા બાદ જનશતાબ્દી પણ દોડાવાઈ હતી. તે પણ ઓછા ટ્રાફિકના કારણે બંધ થઈ હતી. (file photo)