- કર્ણાટકમાં જીત થતા કોંગ્રેસનો વિજયોત્સવ
- રાજકોટનાં બાલાજી મંદિરે મનાવ્યો વિજયોત્સવ
- ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી
રાજકોટ : કર્ણાટક વિધાનસભાની 224 બેઠક માટે 10 મેના રોજ યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે.જેમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે જેને પગલે કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરના બાલાજી મંદિર ખાતે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બાલાજી મંદિર ખાતે એકઠા થયા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ સાથે કોંગ્રેસના નેતાઓએ ‘જય બજરંગબલી’ અને ‘જય શ્રી રામ’નાં નારા લગાવ્યા હતા તેમજ હનુમાનજીનાં દર્શન કરી આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની પ્રાર્થના કરી હતી.
આ તકે ગાયત્રીબા વાઘેલા ઉપરાંત સુરેશ બથવાર અને અતુલ રાજાણી સહિતના કોંગ્રેસના દિગગજ નેતાઓ હાજર રહ્યા હતા.જેમાં હનુમાનજીનાં પહેરવેશમાં આવેલા કોંગી કાર્યકરે કહ્યું- ‘મારા નામે મત માંગનારાઓને પરચો આપ્યો છે, મારા આશીર્વાદ કોંગ્રેસની સાથે છે.’
જોકે,કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી હતી અને માત્ર 30-50 નેતા અને કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેવા કે ઈન્દ્રનીલ રાજગુરુ, હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત સાહિત અનેક નેતાઓ ગેરહાજર રહ્યા હતા.
ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે, કર્ણાટકમાં થયેલ કોંગ્રેસનાં ભવ્ય વિજય બદલ હું ત્યાંની જનતાનો આભાર વ્યક્ત કરવાની સાથે ખૂબ-ખૂબ અભિનંદન પણ આપું છું. ત્યાંની જનતાએ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર તેમજ 40 ટકાનાં કમિશનવાળી ભાજપની સરકારને અને તેના ભ્રષ્ટાચારી નેતાઓને ઘરભેગા કર્યા છે. દેશના વડાપ્રધાન સહિત ગુજરાતના ધારાસભ્યોએ પણ ત્યાં ખૂબ પ્રચાર કર્યો હતો અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને તેમના પરિવારને ભાજપના મંચ ઉપરથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પરિસ્થિતિ વચ્ચે આજે શનિવારનાં પવિત્ર દિવસે બજરંગબલીનાં આશીર્વાદથી કોંગ્રેસ અને સત્યનો વિજય થયો છે. જેને લઈને અમે હનુમાનજીનાં આશીર્વાદ લેવા આવ્યા છીએ