અમદાવાદમાં અસહ્ય તાપમાનને લીધે બપોરના ટાણે અટલબ્રિજ સહિતના સ્થળે મુલાકાતીઓમાં ઘટાડો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી જતાં અને બપોરના ટાણે આકાશમાંથી અંગારા ઓકતી ગરમીને લીધે રોડ-રસ્તાઓ સુમસામ બની જાય છે. અસહ્ય તાપમાનને લીધે લોકોના જનજીવન પર અસર પડી છે. બપોરના સમયે કાંકરિયા લેક, પ્રાણી સંગ્રહાલય તેમજ રિવરફ્રન્ટ પરના અટલબ્રિજ પર મુલાકાતીઓમાં ખાસ્સો ઘટાડો થયો છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે શનિવારે સિઝનની સૌથી વધુ 44.7 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. શુક્રવારે પણ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા ચાર-પાંચ દિવસથી પડી રહેલી આકરી ગરમીને કારણે બપોરના સમયે રોડ પર વાહનોની પાંખી હાજરી જોવા મળે છે. અટલ બ્રિજ પર બપોરના સમયે મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના કારણે બ્રિજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રે 9 વાગ્યે બંધ થતો અટલ બ્રિજ 11 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે. આ ઉપરાંત કાંકરિયા લેક પર રાતના સમયે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગરમીના કારણે અટલ બ્રિજ પર બપોરે 12થી 6 વાગ્યાના ગાળામાં મુલાકાતીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, સાંજે 7 વાગ્યા પછી મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, આજે રવિવારે પણ શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયા હતો જ્યારે ગઈકાલે શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 44.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં 44.4, ડીસામાં 42.8, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 43 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં ગરમ-સૂકા પવનોની અસર યથાવત રહેશે. ત્યારબાદ ક્રમશ ગરમીમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.