અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. જેમાં પાંચ દિવસથી તાપમાન 43થી 45 ડિગ્રી પહોંચી ગયું છે. અસહ્ય ગરમીને લીધે હીટસ્ટ્રોકના તેમજ પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 29 કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં ગરમીને લઈ 108 ઈમરજન્સીમાં પેટમાં દુઃખાવો, વધુ પડતો તાવ અને ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. આ ઉપરાંત સરકારી ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.
ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સરેરાશ તાપમાન 43 ડિગ્રીને વટાવી જતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જો કે આગામી 24 કલાકમાં હિટવેવનું જોર ઘટવાની શક્યતાને પગલે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં બપોર પછી શરૂ થયેલા 10થી 16 કિલો મીટરની ગતિના પવનથી શનિવારની સરખામણીએ ગરમીમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ગરમી વધી છે. પાંચ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના સૂત્રોના કહેવા મુજબ 108 ઈમરજન્સીમાં ગરમીને લગતા અને હિટ સ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે. છેલ્લા બે અઠવાડિયાની ગણતરી કરતા ગત અઠવાડિયામાં કેસો વધ્યા છે. રાજ્યમાં કુલ 29 જેટલા હીટ સ્ટ્રોકના કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં આઠ જેટલા કેસો નોંધાયા છે. ગરમીને લગતા કેસો વધવના પ્રમાણની વાત કરીએ તો રાજ્યમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા કેસ વધ્યા છે.
દરમિયાન મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ છેલ્લા 14 દિવસમાં અમદાવાદ શહેરમાં પેટના દુખાવાના 1010, બેભાન થવાના 658, ઝાડા ઊલટીના 485 અને તાવના 331 કેસો મળ્યા છે. 108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ ગરમીને લઈ ગત વર્ષમાં મે મહિના કરતા ચાલુ વર્ષમાં મેં મહિનાના બીજા અઠવાડિયામાં ગરમીને લગતા રોગોના કેસોમાં વધારો થયો છે. રાજયમાં અત્યાર સુધીમાં હિટ સ્ટ્રોકના છેલ્લા બે દિવસમાં જ કેસ 7- 7 કેસ નોંધાયા છે. જ્યારે કોઈપણ વ્યક્તિને વધારે પડતી ગરમી, બેભાન થવું કે લુ લાગે તો 108 ઈમરજન્સી સેવાને જાણ કરે જેનાથી તાત્કાલિક ધોરણે તે વ્યક્તિને સારવાર મળી રહે છે. ઘણા કિસ્સામાં લોકો ખાનગી વાહનમાં તેને હોસ્પિટલ પહોંચાડતા હોય છે પરંતુ 108 ઈમરજન્સીની મદદ લેશે તો તેઓને તરત જ ત્યાં ટ્રીટમેન્ટ મળી રહે છે.