ગુજરાતના 11.50 લાખ વેપારીઓના રજિસ્ટ્રેશનની તપાસ માટે GST દ્વારા આજથી સ્થળ ચેકિંગ ઝૂબેશ
અમદાવાદઃ દેશમાં જીએસટીની આવકમાં મોટો વધારો થઈ રહ્યો છે. જેમાં ગુજરાત પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. ગુજરાતમાં જીએસટીની ચોરીનું પણ પ્રમાણ વધુ હોવાનું ટેક્સ કલેક્શનના અધિકારીઓ માની રહ્યા છે. દરમિયાન જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.
જીએસટી કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સીબીઆઈસીના આદેશ બાદ સિસ્ટમમાં રજિસ્ટ્રેશન ધરાવતા તમામ જીએસટી રજિસ્ટર્ડ કરદાતાના રિચેકિંગ કરવાનું પ્લાનિંગ કરાયુ છે, જેના કારણે દરેક રજિસ્ટરની વિગતો ફરી વાર ચકાસવામાં આવશે. સમગ્ર દેશમાં જીએસટી રજિસ્ટર્ડ કરદાતાઓની આજથી એટલે કે, તા.16 મેથી 15 જુલાઈ 2023 વચ્ચે સ્થળ ચકાસણી કરવામાં આવશે. આ ઝુંબેશનો હેતુ ખોટાં રજિસ્ટ્રેશન અને ખોટી આઈટીસી આપતા લોકોને શોધી કાઢવાનો છે, જેને પગલે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ એકસાથે જોડાશે. જીએસટી ડિપાર્ટમેન્ટની આ ડ્રાઇવને કારણે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ફરીથી અધિકારી તેમના સ્થળની મુલાકાત લેશે અને તેઓ હાજર નહીં હોય તો તેમનો નંબર રદ કરી દેવાની દહેશત વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.
જીએસટીની સર્ચ ઝૂંબેશને કારણે કેટલાક વેપારીઓનું માનવું છે. કે, અધિકારીઓ ડોક્યુમેન્ટમાં ખામી બતાવીને કરદાતાઓને હેરાન કરવાનું શરૂ કરશે. આવા અનેક કારણોસર કરદાતાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી દહેશતમાં કરદાતાઓ ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસમાં ધક્કા ખાતા થઈ ગયા છે. શંકાસ્પદ નોંધણીઓને શોધવા માટે સીબીઆઈસીના આદેશથી બે મહિનાની લાંબી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ અંગે ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારો વ્યવસાય સાચો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ વિઝિટિંગ ઓફિસરને સરળ થાય કે શંકાઓ ના ઊભી થાય તે માટે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્પેશિયલ ડ્રાઇવ પહેલાં જ જીએસટી વિભાગના અધિકારીઓને ડીલરોની યાદી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી બોગસ બિલિંગ ફાડનારાને ત્યાં દરોડા પડતા હતા, પરંતુ હવે એક શક્યતા એ દેખાઈ રહી છે. કે, જે ડીલરોએ બોગસ બિલિંગ કર્યું છે તેમને નિશાના પર લેવામાં આવશે.
જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, સુરતમાં અગાઉ આવી ડ્રાઇવ ચાલી હતી. આથી આ વખતે કેટલા ડીલરોની યાદી આવે છે તે જોવાનું રહેશે. જે તે શહેરમાં ડીલરોની યાદી સોમવારની સાંજે આપી દેવામાં આવી હતી. એટલે આજે મંગળવારે સવારથી દરોડા કામગીરી શરૂ થઈ ગઈ છે.