નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષના શાસનની ઊજવણી માટે બુધવારે ભાજપની કારોબારીમાં નિર્ણય લેવાશે
અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકારને મે મહિનાના અંતમાં નવ વર્ષ પૂરાં થઇ રહ્યા છે, ત્યારે આ નવ વર્ષની ગુજરાત સહિત દેશભરમાં ઊજવણી કરવા રાષ્ટ્રીય સ્તરે ભાજપે આયોજન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલા કાર્યક્રમો ઉપરાંત પ્રદેશ સ્તરેથી નવા આયોજનો સાથે ઊજવણીના એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમની રૂપરેખા, આયોજન અને જવાબદારી નક્કી કરવા માટે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક આવતીકાલે 17મી મેને બુધવારના રોજ મળશે. ગુજરાત ભાજપ દ્વારા 30 મેથી 30 જૂન એમ એક મહિના સુધી મોદી સરકારના નવ વર્ષની ઊજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.. મૂળભૂત રીતે કેન્દ્ર સરકારની વિવિધ મહત્ત્વની ઉપલબ્ધિઓને જન જન સુધી પહોંચાડવાની બાબતને કેન્દ્રમાં રાખી સમગ્ર ઊજવણીનું આયોજન કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કમલમ ખાતે આવતી કાલે પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલના નેતૃત્વમાં યોજાશે.બૃહદ કારોબારી બેઠક હોવાથી ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત કારોબારી સભ્યો પણ ઉપસ્થિત રહેશે. હાલ પ્રદેશ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન, જિલ્લાના મહત્વના આગેવાનો, પદાધિકારીઓની બેઠક લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચાલી રહી છે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ દેશમાં બીજી વખત ભાજપ અને સાથી પક્ષોએ શાસન સંભાળ્યું છે. આ નવ વર્ષમાં દેશની જનતાના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રકારની યોજના, કાર્યક્રમો અને માળખાકીય યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે. એટલે હવે ભાજપે આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની સરકારના નવ વર્ષની ઊજવણીમાં મુખ્યત્વે જનસંપર્કના કાર્યક્રમો વધારે રહેશે.
પ્રદેશ ભાજપના સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતાં તેની દેશભરમાં ઊજવણી કરાશે. અને રાષ્ટ્રીય સ્તરે જે આયોજન કરાયા છે એ મુજબ 29મેના રોજ ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ભાજપ દ્વારા એક પ્રેસવાર્તા યોજાશે. વડાપ્રધાન મોદી 30મીએ એક જનસંપર્ક અભિયાનનો આરંભ કરાવશે. ગુજરાતમાં સાંસદો, ધારાસભ્યોથી માંડીને છેક બૂથસ્તરના કાર્યકરો આ જનસંપર્ક અભિયાનમાં સામેલ થશે. 20થી 30 જૂન દરમિયાન ઘર ઘર સંપર્ક અભિયાન યોજાશે. ભાજપ માટે બૂથ સ્તરના માઇક્રોમેનેજમેન્ટમાં જોડાયેલા કાર્યકરો સૌથી મહત્વના છે, અને આવા કાર્યકરોને વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી સંબોધશે. ભાજપના પથદર્શક એવા શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિને ૨૩ જૂનના રોજ વડાપ્રધાન મોદી બૂથ સ્તરના કાર્યકરોને સંબોધશે. (file photo)