1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘેઘૂંર વૃક્ષોથી છવાયેલું ગાંધીનગર વેરાન બનતું જાય છે, 5 વર્ષમાં વિકાસના નામે 18000 વૃક્ષો કપાયાં
ઘેઘૂંર વૃક્ષોથી છવાયેલું ગાંધીનગર વેરાન બનતું જાય છે,  5 વર્ષમાં વિકાસના નામે 18000 વૃક્ષો કપાયાં

ઘેઘૂંર વૃક્ષોથી છવાયેલું ગાંધીનગર વેરાન બનતું જાય છે, 5 વર્ષમાં વિકાસના નામે 18000 વૃક્ષો કપાયાં

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતનું પાટનગર ગાંધીનગર એક સમયે વૃક્ષોથી આચ્છાદિત હતું. ગાંધીનગરમાં ચારે તરફ ઘેઘૂંર વૃક્ષો જોવા મળતા હતા. હવે વિકાસની સાથે પર્યાવરણનો સોથ બોલી ગયો છે. એક સમયે હરિયાળા નગર તરીકે ઓળખાતા શહેરમાં વૃક્ષોની કોઇ કિંમત રહી નથી. તંત્ર વિકાસના કામો માટે હજારોની સંખ્યામાં વૃક્ષછેદન કરી રહ્યું છે. વિકાસ જરૂરી છે પરંતુ ઝાડ ન કપાય તેવા વિકલ્પો પ્રથમ શોધવો જોઇએ અને અંતિમ વિકલ્પ તરીકે જ ઝાડ કાપવા જોઇએ પરંતુ ગાંધીનગરમાં ગટરથી લઇને રસ્તા અને મેટ્રોની કામગીરી માટે હજારોની સંખ્યામાં વૃક્ષો કપાઇ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીનગરમાં 18 હજાર જેટલા વૃક્ષો કપાયા છે જ્યારે વધુ 4500  વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી છે. જે આગામી દિવસોમાં કાપી નંખાશે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર લીલુછમ ગણાતું હતું, અને દેશ અને દુનિયામાં ગ્રીનસીટી તરીકે ઓળખાતું હતુ. પરંતુ સમયાંતરે વિકાસની લ્હાયમાં ગ્રીનસીટીનુ બિરુદ્ધ છીનવાઇ ગયુ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 18241 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના વૃક્ષો રોડ પહોળો કરવાની કામગીરીમાં કાપવા પડ્યા છે.  વન વિભાગ દ્વારા ઝાડ કાપવા સામે કામગીરી કરતી એજન્સી પાસેથી 3.25 કરોડ રુપિયા વસુલ કરવામાં આવી છે. આ રીતે જોઇએ તો એક વૃક્ષોની  કિંમત માત્ર 1780 રૂપિયા ગણવામાં આવી છે. જેનો મતલબ એ થયો કે વર્ષો જૂના લીમડા સહિતના ઘટાદાર વૃક્ષો સાવ સામાન્ય રકમ વસૂલીને કાપવાની મંજૂરી આપી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગાંધીનગરમાં દર વર્ષે વૃક્ષારોપણની ઝૂંબેશ થાય છે પરંતુ ખરેખર જેટલા વૃક્ષો ઉછરે છે તેનાથી વધારે તો કાપી નાંખવામાં આવે છે. પર્યાવરણવિદોના કહેવા મુજબ વન વિભાગનું કામ તો માત્ર ટપાલી જેવું બની ગયું છે, સરકારી એજન્સી તરફથી વિકાસના કામ માટે ઝાડ કાપવાની દરખાસ્ત આવે એટલે રકમની ગણતરી કરીને મંજૂરી આપવાથી વિશેષ કોઇ કામગીરી રહી નથી. શહેરમાં ગટરલાઇન અને મેટ્રો માટે સૌથી વધુ ઝાડ કપાશે. છ રોડ પર 900 અને ગ-2થી ખ-2 તથા ખ-2થી ખ-0 સુધીમાં વધુ 900 મળી 1800 ઝાડ કાપવાની મંજૂરી આપી દેવાઇ છે માણસાથી બાલવા ચોકડી સુધી સૌથી વધુ 1917 ઝાડને કાપવાની દરખાસ્ત વન વિભાગને મળી છે. આમ વન વિભાગ પણ ઉદારતાથી મંજુરી આપી રહ્યાનું કહેવાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code