ગુજરાતમાં બાગેશ્વર બાબાના લોક દરબારને લીધે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકિય વાતાવરણ ગરમાયું
અમદાવાદઃ ગુજરાતના મોટા શહેરોમાં આગામી દિવસોમાં બાગેશ્વર સરકારનો લોક દરબાર યોજાશે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના હિમાયતી એવા બાગેશ્વર બાબાના દેશભરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. બાગેશ્વર બાબાનો સુરત, અમદાવાદ અને રાજકોટમાં કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર સરકારના લોક દરબારને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાજપના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે.
ગુજરાતમમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારને લીધે રાજકિય વાતાવરણ ગરમાયું છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ તેના આયોજનમાં મોટા રાજકારણીઓ છે. આ આયોજનમાં ભાજપના સંગીતા પાટીલ, સંદિપ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રચાર પ્રસાર માટે સોશિયલ મિડિયામાં પ્રચાર પ્રસાર ધૂમ ચાલી રહ્યો છે. રાજકીય નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં 10 વર્ષથી સત્તામાં રહેનારી ભાજપએ જનતાને જે જે વચનો આપ્યાં હતાં એ આજે જવાબ ન હોવાથી ફરી એકવાર એ જ રણનીતિના ભાગરૂપે બાબાઓના દિવ્ય દરબારના આયોજન થઈ રહ્યાં છે. બાબાની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપના ધારાસભ્ય છે. સમગ્ર દેશમાં જ્યાં જ્યાં બાબાના દરબારો યોજાઈ રહ્યા છે એ માટે કોણ કોણ સંત્રી-મંત્રી મદદ કરી રહ્યા છે એ તપાસનો વિષય છે.
નોંધનીય છે કે, બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી તારીખ 26 અને 27 મેના રોજ સુરત આવશે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સાંજે 5 થી 10 સુધી બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જેને લઈને નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત લોક દરબાર સાથે રોડ શોનું પણ આયોજન કરાયું છે. સુરતમાં દિવ્ય દરબારની સાથે રોડ શોનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત દિવ્ય દરબાર સ્થળે 5 સ્ટેજ, ૩0થી વધુ એલઈડી તેમજ કાર્યક્રમમાં આવનારા લોકો માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.