રાજકોટ – પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા” કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૩ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા ૧૩ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.
પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહેતા શ્રી ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું
મહત્વ નું છે કે ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો.
મોરબી ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોરબીને બધું આપવા તૈયાર છે. મોરબીના સિરામીક ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગ થકી દુનિયાનું નંબર વન સેન્ટર બનાવવું છે અને સરકાર તે તરફ તમામ પ્રયાસો કરી રહી છે. આજે મોરબી દેશના અનેક રાજ્યોના લાખો યુવાનોના રોજગારીના સપના પુરા કરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગની સુરક્ષા માટે સરકાર પણ હંમેશા કટિબદ્ધ છે.