અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂપિયા 2000ની નોટ્સ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધે છે. અને બેન્કો દ્વારા ટોકન સિસ્ટમ અપનાવીને સોમવારથી 2000ની નોટ્સ બદલી અપાશે.જ્યારે બીજી બાજુ કેટલાક વેપારીઓ, પેટ્રોલ પંપના સંચાલકો, અને કેટલાક તબીબોએ પણ રૂપિયા 2000 નોટ્સ સ્વીકારી રહ્યા હોવાથી ઘણાબધા લોકો બેન્કોમાં નોટ્સ બદલાવવાની કડાકૂટમાં પડવાને બદલે જ્યાં નોટ્સ ચાલતી હોય તેવા સ્થળોએ ચિજ-વસ્તુઓની ખરીદી કરીને વટાવી રહ્યા છે. તેના લીધે કેટલાક વેપારીઓને ત્યાં ગ્રાહકોનો કડાકો બાલી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રિઝર્વ બેન્કે રૂપિયા 2000 નોટો પાછી ખેંચ્યા બાદ ગત નોટબંધી વખતે જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો એવો માહોલ આ વખતે જોવા મળ્યો નહીં, તેમ છતાં જ્વેલર્સ, પેટ્રોલ પંપો સહિત કેટલાક ફર્નિચરથી લઈને કાપડ સહિતના વેપારીઓ રૂપિયા 2000ની નોટ્સ સ્વીકારતા હોવાથી ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. સુરતમાં તો એક ટ્રાવેલ્સ કંપનીના માલિકે 2000ની નોટોથી આખા વર્ષનો 6. 40 લાખનો વ્હીકલ ટેક્સ ભરી દીધો હતો તેમજ રેલવે સ્ટેશને લોકો દ્વારા 2000ની નોટ્સ આપીને એડવાન્સ રિઝર્વેશન બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં સોનાની ખરીદામાં જ્વેલર્સ 2000ની નોટ્સ સ્વીકારીને બે લાખની નીચેના બિલ બનાવી રહ્યા છે. જ્યારે કેટલાંક પેટ્રોલ પંપ પર 500નું પેટ્રોલ પુરાવે તો જ રૂપિયા બે હજારની નોટ લેવામાં આવી રહી છે. સોની બજારના રિપોર્ટ મુજબ આશરે 30 હજાર લોકોએ 2000ની નોટોથી સોના-ચાંદી કે દાગીનાના ખરીદી અને સોદા કર્યા હતા. ઓટો મોબાઈલ ક્ષેત્રે ગાડીઓ માટેનું ડાઉન પેમેન્ટ અને ખરીદી પણ 2000 રૂપિયાની નોટ થઈ હોવાનું જણાવ્યું હતું જ્યારે આ અંગે ઇક્વિાયરી પણ વધી છે કે 2000ની નોટો ડાઉન પેમેન્ટમાં લેશો? આ ઉપરાંત અમદાવાદની કેટલીક હોસ્પિટલો પણ ઓપરેશન સહિતતબીબી સારવારમાં 2000ની નોટંસ સ્વીકારાશે એવી જાહેરાતો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.