ભાવનગરઃ શહેરના ભરતનગર વિસ્તારમાં વર્ષો પહેલા બંધાયેલા હાઉસિંગ બોર્ડના મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે. અગાઉ એકથી વધુ વખત જીવલેણ દુર્ઘટના સર્જાઇ ચૂકી છે, બે માળિયા-ત્રણ માળિયાની વસાહતો છે. અને રહિશો પણ પોતાના મકાનોને યોગ્ય મરામત કરાવતા નથી.દરમિયાન ગત રાત્રિના સાડા આઠ વાગ્યે હાઉસીંગ બોર્ડના કૈલાસનગરમાં બિસ્માર બિલ્ડિંગના બ્લોક નં.14ની સીડી ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી.
ભાવનગરના ફાયર બ્રિગ્રેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા કૈલાસનગર ત્રણ માળીયા વસાહતમાં ગત રાત્રિના 8.30 કલાકે બ્લોક નં.14ની ઇમારત જે તદ્દન જર્જરિત થઇ ગયેલી તેના દાદરા ધડાકાભેર તૂટી પડ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ દુર્ઘટનામાં 6 લોકો દબાઈ ગયા હતા. જો કે સદભાગ્યે ફાયર વિભાગે સત્વરે ઘટનાસ્થળે પહોંચીને તમામને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી જેથી સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણ માળીયાના રહિશોએ જણાવ્યું હતું કે, અહીં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો રહેતા હોવાથી આર્થિક સ્થિતિને કારણે વધુ ભાડુ ભરીને અન્યત્ર રહેવા જઇ શકીયે તેવી સ્થિતિ નથી, આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો અને અન્ય તમામને શિવાજી સર્કલના મહાપાલિકાના શેલ્ટર હાઉસમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતુ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધરાશાયી થયા ને બે કલાક જેટલો સમય વીતવા છતાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળ ન આવતા સ્થાનિક રહિશોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. જો કે મોડેથી અધિકારી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ વિસ્તારમાં હજુ પણ કેટલાય મકાનો જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકો ભયના ઓથાર નીચે જીવવા માટે મજબૂર બન્યા છે. ઘટના સ્થળે મોડેથી આવેલા હાઉસીંગ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતુ કે આ મકાનો ખાલી કરી દેવા અંગે અગાઉ જ નોટિસ આપી દેવામાં આવી છે, અને વારંવાર રિમાઈન્ડર પણ આપવામાં આવે છે, આમ છતાં આ લોકો આ જર્જરિત મકાન ખાલી કરતા નથી. જ્યારે સ્થાનિક રહેવાસીઓ કહે છે કે અન્ય સોસાયટીના રહેવાસીઓને ભાડુ આપીને ઘર ખાલી કરાયા પણ અમને અન્ય સ્થળે જવા એક રૂપિયો પણ ભાડા રૂપે અપાતો નથી તો અમે ક્યાં જઇએ ?