અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુના મકાનો છે, જેમાં ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. હોલ ચોમાસાની સીઝન નજીકમાં છે. તેમજ અષાઢી બીજના દિને કોટ વિસ્તારમાં રથયાત્રા પસાર થવાની હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવા મકાનોનાં માલિક તથા કબજેદારોને નોટિસ ફટકારવામાં આવી છે.
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મ્યુનિ. તંત્ર દ્વારા રથયાત્રાનાં રૂટ ઉપરનાં રોડ, ફૂટપાથ, રેલીંગ રિપેરીંગ અને લાઇટીંગ અને સીસીટીવી કેમેરા લગાવવા તથા ચેકિંગ કરવા વગેરે પ્રકારનાં કામો શરૂ કરી દેવાયા છે. રથયાત્રા પોળ વિસ્તારમાંથી પસાર થાય છે અને જમાલપુર, ખમાસા, આસ્ટોડિયા, ખાડિયા, રાયપુર, દરિયાપુર, દિલ્હી ચકલા, શાહપુર સહિતનાં વિસ્તારોમાં વર્ષો જુના અને જર્જરિત કહી શકાય તેવા 100થી વધુ મકાનો આવેલાં છે. આ મકાનો ભયજનક હોવાથી તેના કારણે કોઇ દુર્ઘટના સર્જાય નહિ તેની તકેદારીનાં ભાગરૂપે મ્યુનિ. એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા દર વર્ષે રથયાત્રા રૂટ ઉપરનાં ભયજનક મકાનોનો સર્વે કરીને મકાન ખાલી હોય તો નોટિસ ચોંટાડવામાં આવે છે અને મકાનમાલિક કે કબજેદાર રહેતા હોય તો તેમને નોટિસ આપવામાં આવે છે. જોકે મ્યુનિ. દ્વારા જર્જરિત મકાન ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવતી નથી અને જર્જરિત જુના મકાનોમાં વર્ષો જુના ભાડુઆત હોય અને મકાન ખાલી ન કરતાં હોય તેવા સંજોગોમાં મકાનમાલિક તેને રિપેર કરાવતા નથી. તેવી જ રીતે જુના મકાનોમાં રહેતાં મકાનમાલિક આર્થિક રીતે સધ્ધર ન હોય તો તે રિપેરીંગ કરાવતા નથી. અમુક મકાનો કેટલાય સમયથી બંધ હાલતમાં પડી રહ્યાં છે. હાલ આવા 100 જેટલા જર્જરિત મકાન માલિકોને કે કબજેદારોને નોટિસ આપવામાં આવી છે.
આ બાબતે મ્યુનિ.ની ટાઉન પ્લાનીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રથયાત્રા રૂટ ઉપર કે આસપાસમાં ભયજનક મકાન હોય અને તે ઉતારવામાં આવ્યા ન હોય તો તેની ઉપર લોકો ભેગા થાય નહિ તે માટે સિક્યોરિટી ગોઠવવામાં આવે છે, તે સિવાય બીજી કોઇ કાર્યવાહી મ્યુનિ. દ્વારા કરવામાં આવતી નથી.